Vadodara

માંડવી વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યાથી નમાઝીઓને તકલીફ, મસ્જિદમાં ફેલાયેલી દુર્ગંધથી રોષ

વેસ્ટ વોટરથી મસ્જિદમાં અસ્વચ્છ વાતાવરણ, વોર્ડ 14ના નમાઝીઓ અને સ્થાનિકોએ પાલિકાની કામગીરીની માંગ કરીને રોષ પ્રગટ કર્યો

વડોદરા ::શહેરના હૃદયસ્થલે આવેલો માંડવી વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી ડ્રેનેજ સમસ્યાના કારણે મુશ્કેલીમાં સપડાયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 14ના લાડવાડા વિસ્તાર ખાતે આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઘસી જવાથી નમાઝીઓ અને સ્થાનિક રહીશો બંને પરેશાન થઈ ગયા છે.

મસ્જિદ નજીકના ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થતાં ગંદું પાણી નમાઝ વખતે મસ્જિદના પ્રાંગણ સુધી પ્રવેશે છે, જેના કારણે નમાઝીઓ મોઢે રૂમાલ બાંધીને મસ્જિદમાં પ્રવેશતા જોવા મળે છે. ગંદા પાણીથી ફેલાતી દુર્ગંધ તેમજ મચ્છર-માખીઓનું પ્રમાણ વધતા આરોગ્યની દૃષ્ટિએ પણ જોખમનું માહોલ સર્જાઈ ગયો છે.

સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે આ સમસ્યા અંગે અનેકવાર વડોદરા મહાનગરપાલિકાને ઓનલાઇન રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ યોગ્ય કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. નમાઝી મંડળે જણાવ્યું કે ધર્મસ્થળ જેવી પવિત્ર જગ્યાએ આવી અસ્વચ્છ પરિસ્થિતિમાં નમાઝ અદા કરવી મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે લોકોની ધાર્મિક ભાવનાઓને પણ આઘાત પોહચી રહ્યો છે.

રહેવાસીઓ તથા જમાતના પ્રતિનિધિઓએ મહાનગરપાલિકા અધિકારીઓને તાત્કાલિક પગલા ભરવા વિનંતી કરી છે જેથી મસ્જિદ ક્ષેત્રની ડ્રેનેજ લાઇનની સફાઈ તથા જરૂરી મરામત થઈ શકે અને લોકોનો પગપાળા જવા આવવા પણ સરળ બને.

Most Popular

To Top