ઐતિહાસિક માંડવી દરવાજાની જાળવણી માટે મ્યુનિસિપલ કમિશનરની કસોટી
વડોદરા: વડોદરાની ઓળખ સમાન ઐતિહાસિક માંડવી ચાર દરવાજો હવે તેની ભવ્યતા ફરી પ્રાપ્ત કરી શકે તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોલીસ સાથે સંકલન કરી નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. આજે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માંડવી ખાતે સીધી મુલાકાત લઈને સ્ટ્રક્ચરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
કમિશનરે નિરીક્ષણ બાદ જણાવ્યું કે, હાલ સ્ટ્રક્ચરલ ઇશ્યૂઝ અંગે ટેકનિકલ સ્ટડી ચાલી રહી છે. “હાલમાં માંડવીને જોખમી જાહેર કરવાની ફરજ નથી, પરંતુ ઇમરજન્સી તરીકે તૂટી રહેલા ભાગોને સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પીલ્લર પર તાત્કાલિક સમારકામનું કામ બે-ત્રણ દિવસમાં શરૂ થશે,” એમ તેમણે જણાવ્યું.
કમિશનરે સ્પષ્ટ કર્યું કે, રેસ્ટોરેશન અંગે ટેન્ડર પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ માંડવીના આખા સ્ટ્રક્ચરને મજબૂત બનાવી તેની પ્રોટેક્શન સાથે પુનઃસ્થાપનનું કાર્ય હાથ ધરવામાં આવશે, જેને માટે અંદાજે બે-ત્રણ મહિના લાગશે.
કમિશનર અનુસાર, સાઉન્ડ પોલ્યુશન, ટ્રાફિકનું સતત દબાણ અને પર્યાવરણીય પ્રદૂષણને કારણે માંડવીના દુર્લભ ઐતિહાસિક વારસાને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે પોલીસ કમિશનર સાથે ચર્ચા થઈ છે અને આગામી દિવસોમાં વાહનોની અવરજવર મર્યાદિત કરવા અથવા સાઉન્ડ સિસ્ટમ પર નિયંત્રણ મૂકવા અંગે જાહેરનામું શક્ય છે. તેમ છતાં, નજીકના મંદિરના દર્શનાર્થીઓ માટે અવરજવર રોકાય નહીં તે અંગે ખાતરી આપવામાં આવી છે.
VMCના હેરિટેજ સેલ અને હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના સહયોગથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ખાસ સ્ટડી હાથ ધરાશે. જેમાં સાઉન્ડ પોલ્યુશન, લાઇટિંગ, પર્યાવરણ તેમજ ટ્રાફિક ઇમ્પેક્ટનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવશે. આના આધારે લાંબાગાળાના કન્ઝર્વેશન પ્લાન્સ તૈયાર કરવામાં આવશે.
માંડવી ચાર દરવાજો વડોદરાનો ઐતિહાસિક વારસો અને ગૌરવનું પ્રતિક છે. તેની મજબૂતી વધારવા, સૌંદર્ય પુનઃસ્થાપિત કરવા તથા આવતી પેઢી સુધી તેનું સંરક્ષણ થાય તે દિશામાં અમે જલદી પગલાં લઈ રહ્યા છીએ, એમ કમિશનરે જણાવ્યું.