Vadodara

માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!

ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર હજી મંજૂર નથી, પાયાને વધુ નુકસાન થવાની ભીત

બાંહેધરી છતાં કામ નહીં: 5 મહિના પહેલાં મ્યુ, કમિશનરે 1 મહિનામાં કામ શરૂ કરવાની ખાતરી આપી હતી

વડોદરા ઐતિહાસિક માંડવી દરવાજાનું યોગ્ય અને તાત્કાલિક રિસ્ટોરેશન થાય તે માટે એમ.જી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરના પુજારી હરિઓમ વ્યાસ છેલ્લા 240 દિવસથી માંડવી ગેટ નીચે બેસીને અષ્ટાક્ષર મંત્રના જાપ કરી એક અનોખું આંદોલન ચલાવી રહ્યા છે. 8 ડિસેમ્બરના રોજ તેમના આ તપના 240 દિવસ પૂરા થયા છે, તેમ છતાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા હજી સુધી ગેટના રિસ્ટોરેશન માટેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી, જેના કારણે પુજારી અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માંડવી ગેટની જર્જરિત હાલત અને ઐતિહાસિક સ્થાપત્યને બચાવવાની માંગ સાથે પુજારી હરિઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી રહેલો આ પ્રયાસ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી તેઓ સતત જાપ કરીને તંત્રને આ મહત્વપૂર્ણ કાર્ય માટે જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શહેરની મધ્યમાં આવેલો આ ઐતિહાસિક દરવાજો આજે પણ ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યો છે. દિવસે ને દિવસે ભારે વાહનોની અનિયંત્રિત અવર-જવરના કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ રીતે વિલંબ થતો રહેશે તો આ ઐતિહાસિક ધરોહર કાયમી ધોરણે નુકસાન પામશે તેવી ચિંતા પુજારી અને સ્થાપત્યપ્રેમીઓએ વ્યક્ત કરી છે.
હરિઓમ વ્યાસે આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને કરેલી અપીલમાં જણાવ્યું હતું કે, “આશરે 5 મહિના પહેલાં કમિશનરે પોતે માંડવી ગેટનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારે તેમણે 1 મહિનામાં ગેટના રિસ્ટોરેશનનું કામ ચાલુ કરી દેવાશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ, મહિનાઓ વીતી ગયા હોવા છતાં ટેન્ડર મંજૂર કરવાની પ્રાથમિક કાર્યવાહી પણ પૂર્ણ થઈ નથી.”
​પુજારી હરિઓમ વ્યાસે કમિશનર અરુણ મહેશ બાબુને તેમની બાંહેધરીનું સ્મરણ કરાવીને તાત્કાલિક ધોરણે માંડવી ગેટનું રિસ્ટોરેશનનું કામ શરૂ કરાય તેવી આગ્રહભરી વિનંતી કરી છે, જેથી આ ઐતિહાસિક સ્થાપત્યને વધુ નુકસાન થતું અટકાવી શકાય.

Most Popular

To Top