Vadodara

માંડવીના અસ્તિત્વનો જંગ: ઐતિહાસિક વારસાને બચાવવા મહંત હરિઓમ વ્યાસના તપનો ૨૮૧મો દિવસ

ટેન્ડર પાસ થયાના ૨૦ દિવસ બાદ પણ રિસ્ટોરેશનની કામગીરી હજુ અધ્ધરતાલ

જર્જરિત પિલર અને ભ્રષ્ટાચારી તંત્રની બેદરકારી સામે મહંતે ઠાલવી વેદના

પ્રતિનિધિ), વડોદરા. તા.18

વડોદરાની શાન અને ગાયકવાડી શાસનની ઓળખ સમાન માંડવી દરવાજો આજે મરણપથારીએ છે. શહેરના ઐતિહાસિક વારસાને બચાવવા માટે મહંત હરિઓમ વ્યાસ છેલ્લા ૨૮૧ દિવસથી અવિરત તપ કરી રહ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે, તંત્રના બહેરા કાન સુધી હજુ આ વેદના પહોંચી નથી. વડોદરાનો માંડવી દરવાજો, જે ક્યારેક શહેરની શાન ગણાતો હતો, તે આજે તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બન્યો છે. માંડવીના પિલર અત્યંત જર્જરિત અવસ્થામાં છે અને ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. આ વિરાસતને બચાવવા માટે મહંત હરિઓમ વ્યાસ છેલ્લા ૯ મહિના કરતા પણ વધુ સમયથી એટલે કે ૨૮૧ દિવસથી તપ કરી રહ્યા છે. સરકારી ચોપડે રિસ્ટોરેશન માટેના ટેન્ડર પાસ થઈ ગયાને ૨૦ દિવસથી વધુનો સમય વીતી ગયો છે, છતાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શૂન્ય છે. સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ? એક તરફ તંત્રની આળસ છે, તો બીજી તરફ સામાજિક કાર્યકરો અને જનતાનું મૌન પણ આશ્ચર્યજનક છે. જે શહેર પોતાના વારસા પર ગર્વ કરે છે, તેની જ જનતા આજે આ ઐતિહાસિક ધરોહરને તૂટતી જોઈ રહી છે. શું માંડવીનું અસ્તિત્વ ખરેખર બચશે ? કે પછી ભ્રષ્ટાચારના ગાડા નીચે આ વિરાસત દબાઈ જશે ? એ જોવું રહ્યું.

Most Popular

To Top