Vadodara

માંડવીથી ગેંડીગેટ સુધી ઉજડતી ઇમારતો, બેદરકાર તંત્ર અને તૂટતી ઓળખ; નવચેતના ફોરમે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો

ઐતિહાસિક ઈમારતોની જાળવણીમાં બેદરકારી સામે વિરાસત પ્રેમીઓનો આક્રોશ

વારસાનું વિસર્જન : શાસનના બેદરકાર હાથો નીચે ઐતિહાસિક વડોદરા


વડોદરાની ઓળખ સમાન ઐતિહાસિક હેરિટેજ વિસ્તાર આજે નકારાત્મક રાજકીય ઇરાદા, શાસક તંત્રની ઉદાસીનતા અને બેજવાબદારીની ભોગ બનેલો છે. માંડવીના પીલરમાં તિરાડો પડી પછી, સ્થાનિક હેરિટેજ એક્સપર્ટની સલાહ વગર મૂકાયેલા થાંભલાઓ અને દેખરેખના અભાવે એક પીલરનો મોટો ભાગ પોકળ ચણતર સાથે ધરાશાયી થવા પામ્યો. આ ઘટનાએ જ નહિ, પરંતુ છેલ્લા બે વર્ષમાં લહેરીપુરા, ન્યાયમંદિર, ગેંડીગેટ અને પાણીગેટ જેવા વિસ્તારોની ઉઝરતી સ્થિતિએ હેરિટેજ સ્ક્વેરના નકલી આયોજન પર પણ સવાલ ઊભા કર્યા છે. કન્વીનર કીર્તિભાઈ પરિખ અને નવચેતના ફોરમના સભ્યોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં જે જાળવણી કામ થઈ રહ્યું છે તે કાંઈ હેરિટેજ રક્ષણ નથી, પરંતુ માત્ર ટેન્ડર અને કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાનું ષડયંત્ર છે. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, ન કોર્પોરેટરો, ન ધારાસભ્ય. હેરિટેજ સ્ક્વેરના નામે અમુક દરવાજા બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે સાચો વારસો તો ચાર દરવાજાવાળો વિસ્તારો છે.

પદ્માવતી શોપિંગ સેન્ટરનો મુદ્દો પણ મોટો છે, જ્યાં 300થી વધુ દુકાનદારો હાઈકોર્ટની શરણે ગયા છે. છતાંય તોડફોડનો પ્રયાસ થાય છે અને હેરિટેજનું નામ લઈ સ્માર્ટ સિટીની ભ્રામક યોજના આગળ ધપાવવામાં આવે છે. ન્યાયમંદિરની અંદર મ્યુઝિયમ બનાવવાનો વિચાર જાહેર થાય છે પણ તેના માટે ન તો બજેટ છે, ન દરખાસ્ત પર કાર્યવાહી. આંધળા શહેરી વિકાસના નામે વડોદરાની વારસાગત ઓળખને ખોટી દિશામાં ધકેલવામાં આવી રહી છે. રાજમાતા શૃભાગીનીદેવીના “હું પરણીને આવેલી એ વડોદરા ફરી જોવા માંગું છું” જેવા શબ્દો આજે સમયની ચેતવણી સમાન છે.

નવચેતના ફોરમની માગણી છે કે, હેરિટેજ સંરક્ષણ માટે જવાબદારી કોણ લેશે તે સ્પષ્ટ કરવું જોઈએ. શાસક પક્ષને જનતાની લાગણીઓની અવગણના, અંદરના મતભેદ અને કોન્ટ્રાક્ટરો માટેની ઢીલાશાહી બંધ કરવી પડશે. નહિતર જે વારસો વડોદરાને ઓળખ આપે છે, તે વારસો વેરવો બની જશે.

મહારાણીએ ન કહીને ઘણું કહી દીધું


મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ તેમના સોશિયલ મીડિયામાં માંડવી મામલે એક પોસ્ટ મૂકી કંઇ પણ ટિપ્પણી કર્યા વિના ઘણું બધું કહી દીધું !




નવો વિકાસ સરાહ્ય, પણ જૂનાનું શું?

અમે તો વારંવાર કહ્યું છે, નવો વિકાસ કરો પણ પહેલા જે જૂનું છે તેની યોગ્ય જાળવણી કરો. ગાયકવાડી શાસને જે વારસો આપ્યો છે એની જાળવણી યોગ્ય થાય તો પણ ઘણું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે, વિકાસ કરો પણ સાથે સાથે વિરાસત પણ જાળવો. વડોદરાના પદાધિકારીઓ નરેન્દ્રભાઈના સૂચનને અવગણી રહ્યા છે. – કિર્તીભાઇ પરીખ, નવચેતના ફોરમ

Most Popular

To Top