Vadodara

માંજલપુર GIDC રોડ પર મોટો ભુવો પડતાં વાહનચાલકોમાં ભય, ડ્રેનેજ લાઈન તૂટવાની આશંકા

ગત રોજ રસ્તો દબાતો હોવાની દુકાનદારોની ફરિયાદ બાદ આજે સવારે પડ્યો ભુવો
અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
, પણ સ્થાનિક કોર્પોરેટર કેતન પટેલ (કકુ)નહીં ફરકતા લોકોમાં રોષ

વડોદરા માંજલપુરથી GIDC તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા 40 વર્ષથી અહીં નિવાસ કરતા ડૉ. વ્યાસે જણાવ્યું કે, ગઈકાલ સાંજથી જ રોડ દબાતો હોવાનું આસપાસના દુકાનદારો અને રહેવાસીઓએ નોંધ્યું હતું. આજે સવારે રસ્તાની એક સાઇડ પર મોટો ભુવો પડ્યો હતો, જેના કારણે વાહનચાલકો અને પાદચારીઓ માટે ભારે જોખમ ઉભું થયું છે.

ડૉ. વ્યાસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક અનુમાન છે કે, રસ્તાની નીચેની જૂની ડ્રેનેજ લાઈન તૂટી ગઈ હોવાથી જમીન ધસી પડી છે. જેના કારણે રોડની સપાટી નીચે ખાલી જગ્યા બની અને આખરે ત્યાં ભુવો પડી ગયો.
તાત્કાલિક અસરથી સ્થળ પર તંત્રના કર્મચારીઓ પહોંચી ગયા પરંતુ સ્થાનિક કોર્પોરેટર કેતન પટેલ(કકુ) પહોંચ્યા નહીં, અને રસ્તો બંધ કરી alternate રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ, ડ્રેનેજ લાઈન અને રોડની તાત્કાલિક મરામત શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ દુર્ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓ અને દુકાનદારોમાં ભયનો માહોલ છે. ઘણા લોકોને ચિંતા છે કે, આવી ઘટના ફરી ન બને તે માટે તંત્રએ યોગ્ય તપાસ અને મજબૂત મરામત કરવી જોઈએ. આ ભૂવો પડ્યો છતાં સ્થાનિક કોર્પોરેટર કેતન પટેલ જોવા માટે પણ નહીં ફરકતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

VMC અધિકારીઓનું નિવેદન…
મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું કે, “પ્રાથમિક તપાસમાં ડ્રેનેજ લાઈન તૂટી હોવાનો અંદાજ છે. સંપૂર્ણ તપાસ બાદ જ સાચો કારણ બહાર આવશે. હાલ રસ્તો બંધ રાખવામાં આવ્યો છે અને લોકોની સલામતી માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.”

Most Popular

To Top