કોતર તલાવડી પાસેના દર્શન નગરમાં ગટર, ડ્રેનેજ અને રોડની જર્જરિત હાલત: ઘર દીઠ નાણાં આપવા છતાં ડ્રેનેજનું કામ અધૂરું, કોર્પોરેશન અને કોર્પોરેટર વિરુદ્ધ ‘હાય હાય’ના નારા
વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં કોતર તલાવડી પાસે આવેલ દર્શન નગરના રહીશો છેલ્લા વીસ વર્ષથી રોડ-રસ્તા, ગટર અને ડ્રેનેજ લાઈનની પ્રાથમિક સુવિધાઓના અભાવથી ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ સમસ્યાઓથી કંટાળીને સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેમાં ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા અને ‘રોડ નહીં તો વોટ નહીં’નો સંકલ્પ દોહરાવ્યો હતો.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, દર્શન નગરની સ્થિતિ છેલ્લા બે દાયકાથી જૈસે થે રહી છે અને વિકાસના નામે કોઈ કામગીરી થઈ નથી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેટરો માત્ર મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ સમસ્યાઓના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી.

ખાસ કરીને ડ્રેનેજની સમસ્યા ગંભીર બની છે. રહીશોએ ડ્રેનેજ નાખવાના કામ માટે ઘર દીઠ રૂ. 1500 થી 2000ની રકમ આપી હોવા છતાં, છેલ્લા એક વર્ષથી આ કામગીરી અધૂરી છે અથવા શરૂ જ કરવામાં આવી નથી. ગટર અને ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગંદકી અને રોગચાળાનો ભય સતત રહે છે.

આ તમામ અવ્યવસ્થાઓના કારણે દર્શન નગરના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો વહેલી તકે આ માળખાકીય સુવિધાઓનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીઓમાં મતદાનનો બહિષ્કાર કરશે. રહીશોએ માંગ કરી છે કે કોર્પોરેશન સત્વરે આ સમસ્યાઓનું નિરાકરણ લાવે અને સ્થાનિકોને પાયાની સુવિધાઓ પૂરી પાડે.