બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા વડોદરામાં
(પ્રતિનિધિ) વડોદરા, તા. 31
બાંગ્લાદેશમાં ભારતીય હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હત્યાના બનાવોને લઈને ભારતભરમાં વિરોધના સ્વરો ઉઠી રહ્યા છે, જેના પડઘા હવે વડોદરા શહેરમાં પણ જોવા મળ્યા છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર રોડ પર અજાણ્યા લોકો દ્વારા જાહેર માર્ગ પર “બાંગ્લાદેશ મુર્દાબાદ” લખી વિરોધ નોંધાવવામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીમાં કામ કરતા હિન્દુ કર્મચારીની ગોળી મારીને હત્યા કરવાના બનાવે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાવ્યો છે. છેલ્લા 12 દિવસમાં હિન્દુઓની હત્યાની આ ત્રીજી ઘટના હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાઓના વિરોધરૂપે 31 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર ચાર રસ્તા નજીક રસ્તા પર “બાંગ્લાદેશ મુર્દાબાદ” લખાણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું ચિત્ર બનાવી તેના પર રસ્તેથી પસાર થતા વાહનોના પૈડા ફરી વળતા હોવાની પણ ચર્ચા છે. જાહેર માર્ગ પર આ રીતે વિરોધ નોંધાવવામાં આવતા સ્થાનિકોમાં કૌતૂહલ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.
આ લખાણ કોણે અને ક્યારે કર્યું તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. માંજલપુરના પી.આઈ. એ.ડી. ગમારાએ જણાવ્યું હતું કે હાલ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લખાણ કરનાર વ્યક્તિઓ અંગે તપાસ ચાલુ છે.
જાહેર સ્થળ પર આ પ્રકારના વિરોધને લઈ કાયદો-વ્યવસ્થાના દૃષ્ટિકોણે પણ પ્રશ્નો ઊભા થયા છે. બીજી તરફ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દે વધુ પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.