Vadodara

માંજલપુરમાં શાકમાર્કેટની જગ્યાએ સ્વિમિંગ પુલ: નેતાઓની મનમાની સામે રહીશોમાં ગુસ્સો


મોટા નેતાએ કાઉન્સિલરોને “મને પૂછ્યા વગર સૂચન કેમ?” કહીને ડરાવ્યા

રાજ્ય સરકારનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલ બનાવવા ખર્ચ ઉઠાવવાનો નિર્ણય તેમ છતાં નેતાની આડોડાઈ

વડોદરા: વડોદરા શહેરના વોર્ડ નંબર 18, માંજલપુર વિસ્તારના રહીશોમાં છેલ્લા કેટલાય સમયથી અસંતોષની લાગણી છે. કારણ સ્પષ્ટ છે-જ્યાં ફાઈનલ ટાઉન પ્લાનિંગ મુજબ શાકમાર્કેટ માટે જગ્યા ફાળવવામાં આવી હતી, ત્યાં અચાનક સ્વિમિંગ પુલ બનાવવા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય પાછળ સ્થાનિક નેતાઓની મનમાની અને કોન્ટ્રાક્ટર સાથેની ગઠજોડ હોવાનો ગંભીર આક્ષેપ રહીશો કરી રહ્યા છે.

માંજલપુર વિસ્તારના લોકોનું કહેવું છે કે, આખા વિસ્તારમાં એક પણ યોગ્ય શાકમાર્કેટ નથી. રોજિંદા શાકભાજી ખરીદવા માટે લોકોને દૂર દૂર જતા રહેવું પડે છે. ત્યારે જ્યારે ફાઈનલ ટીપીમાં ખાસ શાકમાર્કેટ માટે જગ્યા ફાળવવામાં આવી હતી, ત્યારે એ જગ્યાએ સ્વિમિંગ પુલ બનાવવા ઉતાવળ કેમ? એ પ્રશ્ને સ્થાનિકોમાં ભારે ચર્ચા છે.

રહીશોના જણાવ્યા મુજબ, લાલબાગ વિસ્તારમાં પહેલેથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્વિમિંગ પુલ કાર્યરત છે. છતાં, બીજા સ્વિમિંગ પુલની જરૂરિયાત શું છે? લોકો કહે છે કે, હાલના સ્વિમિંગ પુલનું જ યોગ્ય રીતે સંચાલન અને જાળવણી થઈ શકતી નથી, ત્યારે બીજું સ્વિમિંગ પુલ બનાવવું એ માત્ર ખોટો ખર્ચ છે.

સ્થાનિક કાઉન્સિલરો અને નાગરિકોએ પાલિકાને રજૂઆત કરી હતી કે, શાકમાર્કેટ અને ખાણીપીણીની લારીઓ માટે બજાર બનાવવામાં આવે તો રસ્તા ખુલ્લા રહેશે, પાર્કિંગની સમસ્યા નહીં રહે અને અકસ્માતોનો ભય પણ ટળી જશે. પરંતુ, સ્થાનિક સ્તરે એક મોટા નેતાએ કાઉન્સિલરોને “મને પૂછ્યા વગર સૂચન કેમ?” કહીને ડરાવ્યા હતા અને પોતાના મનપસંદ કોન્ટ્રાક્ટરને સ્વિમિંગ પુલનું કામ આપ્યું હોવાનો આક્ષેપ છે.

માંજલપુર વિસ્તારમાં દબાણની સમસ્યા પણ ચરમસીમાએ છે. રસ્તા પર રેકડીઓ, લારીઓ અને રેસ્ટોરન્ટો ઊભા છે, જેમાંથી રોજના હપ્તા વસૂલાતાં હોવાનો લોકોમાં ખૂલ્લેઆમ ચર્ચાય છે. પાલિકા દ્વારા દબાણ હટાવવાનું કામ પણ નેતાઓના ઈશારે અટકાવવામાં આવે છે, સ્થાનિક લોકો કહે છે કે, “દબાણ શાખાની ટીમ નેતાઓના ખાસ માણસોની લારીઓ હટાવી શકતી નથી.”

ગુજરાત મિત્રના સૂત્રો મુજબ, રાજ્ય સરકારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પુલ બનાવવા ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. છતાં, શાકમાર્કેટની જગ્યાએ જ સ્વિમિંગ પુલ બનાવવા ઉતાવળ કેમ? એ પ્રશ્ને લોકોમાં અણશાંતિ છે.

સ્થાનિકોમાં આક્ષેપ છે કે, વિકાસના કામોમાં કોઈને રસ નથી, નેતાઓ માત્ર પોતાના ફાયદા માટે અને કોન્ટ્રાક્ટરો સાથે ગઠજોડ કરીને કોર્પોરેશનના નાણાંનો દુરુપયોગ કરે છે. “જ્યાં શાકમાર્કેટ જરૂરી છે, ત્યાં સ્વિમિંગ પુલ બનાવીને લોકોને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યા છીએ,” એમ એક રહેવાસીએ ગુસ્સો વ્યક્ત કર્યો.

આ મુદ્દે પાલિકા કે સ્થાનિક નેતાઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી.પરંતુ, રહીશોમાં ઉગ્ર અસંતોષ છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે, શાકમાર્કેટ માટે ફાળવેલી જગ્યા પર જ યોગ્ય બજાર બનાવવામાં આવે, અને વિકાસના કામોમાં પારદર્શકતા લાવવામાં આવે.

Most Popular

To Top