ધારાસભ્ય યોગેશ પટેલના દૃઢ સંદેશ “કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડે તો દંડથી બચી શકશે નહીં, જનતાનો પૈસો બરબાદ થવા નહીં દઈએ”
ગુણવત્તા અને સમયમર્યાદામાં ચૂક નહીં ચલાવાય, ગેરરીતિ કરનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર 17 માં વિધાનસભા ગ્રાન્ટ તથા પાલિકાની ગ્રાન્ટ હેઠળ સાડા ત્રણ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું વિધિવત ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે આ ખાતમુહૂર્ત થયું હતું જેમાં ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની લાઇન, આરસીસી રોડ તથા પેવિંગ બ્લોક જેવા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે અગાઉના મેયર નિલેશ રાઠોડ, સ્થાનિક કાઉન્સિલરો, ભાજપના અગ્રણીઓ તથા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત દરમ્યાન વિસ્તારજનોમાં વિકાસના નવા અધ્યાયને લઈને ખુશીની લાગણી જોવા મળી હતી.
પ્રસંગને સંબોધિત કરતાં ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે વિકાસના દરેક કામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર રીતે પૂરાં થવા જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે કોઈપણ કોન્ટ્રાક્ટર જો કામમાં ગેરરેટી કરતો જોવા મળશે, ધીમી ગતિ રાખશે અથવા અધૂરું કામ છોડશે તો વિસ્તારજનો પોતે કામ રોકાવી દે. કોન્ટ્રાક્ટરો સામે હવે સહનશીલતા નહીં અપનાવવામાં આવે. યોગેશ પટેલે જણાવ્યું કે વડોદરા શહેરની જનતાના સુખાકારી માટેના કામોમાં ખામી સહન કરશે તે પ્રશ્ન નથી. તેમણે ઉમેર્યું કે કોન્ટ્રાક્ટર જો પોતાની જવાબદારી નિભાવી શકશે નહીં તો તેની સામે દંડાત્મક કાર્યવાહી અનિવાર્ય છે. “આ વડોદરાના નાગરિકોના પૈસાની બાબત છે, અને અમે છાતી ઠોકીને કહીએ છીએ કે જેમણે કામ લીધું છે તેમને તે પૂરું જ કરવું પડશે,” એમ તેમણે દૃઢ શબ્દોમાં જણાવ્યું.

માંજલપુર ક્ષેત્રમાં અતિશય જરૂરી ગણાતા પીવાના પાણીના સુધારણા કામો, જૂની ડ્રેનેજ લાઇનના રિપ્લેસમેન્ટ તથા માર્ગ વિકાસ જેવા પ્રોજેક્ટો હવે અમલમાં આવવાથી વિસ્તારના લોકોને દૈનિક જીવનમાં રાહત મળશે, એવી આશા વ્યક્ત થઈ રહી છે.