રખડતાં પશુઓને કારણે રોજબરોજના શહેરના કેટલાક નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છતાં તંત્ર મૌન
(પ્રતિનિધિ) વડોદરા તા. 19
શહેરના માંજલપુર વિસ્તારમાં બાહુબલી સર્કલ ખાતે અચાનક રસ્તામાં ગાય આવી બાઇક સાથે ભટકાતાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો યુવકને માથામાં તથા છાતીના ભાગે ઇજાઓ થતાં તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંજલપુર કોતર તલાવડી ખાતેના લક્ષ્મીનગર ખાતે રહેતા ક્રિશ સંતોષભાઇ નામનો 19 વર્ષીય યુવક ગત તારીખ 18મી ડિસેમ્બરના રોજ માંજલપુર વિસ્તારમાં આવેલા બાહુબલી સર્કલ પાસેથી પોતાનું વ્હિકલ લઈ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક રસ્તામાં રખડતાં પશુ ગાય આવી જતાં બાઇક સાથે ગાય અથડાતાં યુવકને માથામાં તથા છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી.બનાવને પગલે લોકો એકત્રિત થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવકને ઇમરજન્સી 108એમ્બયુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા ઘણાં સમયથી રખડતાં પશુઓ નિરંકુશ જોવા મળી રહ્યાં છે અને તેના કારણે શહેરના નિર્દોષ નાગરિકો રોજબરોજ રખડતાં પશુઓને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા ના ઢોર શાખા તંત્ર કુંભકર્ણ ની નિદ્રામાં હોય તેમ જણાય છે.વડોદરા શહેરમાં અગાઉ પણ રખડતાં પશુઓને કારણે કેટલાક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તો કેટલાક કાયમી ખોડખાંપણ નો ભોગ બન્યા છે ઘણાં લોકોએ ઘરમાં એકનો એક કમાનાર આધાર ગુમાવ્યા છે આવી ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે પણ સરકારને આડે હાથ લીધી હતી અને દરેક પાંચ મહાનગરોમાં કેટલ પોલીસીનો સખત અમલ કરવા માટે ટકોર કરતાં જે તે સમયે અન્ય મહાનગરોની દેખાદેખી થોડો સમય સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમા રખડતાં ઢોર મુદ્દે ઝૂંબેશ હાથ ધરી હતી પરંતુ ત્યારબાદ કેટલાક જગ્યાએ પાલિકાના ઢોર શાખાના અધિકારીઓ તથા કર્મીઓ સાથે પશુપાલકો દ્વારા મારામારી અને દાદાગીરી કરીને પોતાના પકડાયેલા પશુઓ છોડાવી જવાના બનાવો બન્યા બાદ પાલિકા તંત્ર પાણીમાં બેસી ગયું હતું જેના કારણે હવે શહેરના તરસાલી, માંજલપુર, સમા, એરપોર્ટ રોડ, વાઘોડિયારોડ સહિતના વિસ્તારોમાં રખડતાં પશુઓ જોવા મળી રહ્યાં છે.ઘણીવાર પાલિકાના ઢોર શાખા રખડતાં ઢોર પકડવા નિકળે ત્યારે પશુપાલકો ને અગાઉથી જાણ થતાં તેઓ બાઇકો પર એકત્રિત થઈ ચિચિયારીઓ પાડી પોતાના રખડતાં પશુઓને આડેધડ રોડપર ભગાડી લઈ જતા હોય છે જેના કારણે રોડપર વાહનદારીઓ અને રાહદારીઓમા રીતસરનું જોખમ અને ભયનું વાતાવરણ ઉભું થાય છે છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરતું હોય છે જેનો ભોગ હવે દિનપ્રતિદિન નિર્દોષ નાગરિકો બની રહ્યા છે.