30 વ્યક્તિઓ માટે ઈ-લાઈબ્રેરીમાં અલગ બેઠકની વ્યવસ્થા કરાશે
1192 ચો.મી. વિસ્તારમાં તૈયાર થતું પુસ્તકાલય 124 વાંચકોને એકસાથે વાંચનની સુવિધા આપશે
સંસ્કારી નગરી વડોદરા શિક્ષણ અને સંસ્કૃતિ માટે જાણીતી છે. હવે શહેરના યુવાનોને વાંચન અને અભ્યાસ માટે શાંતિપૂર્ણ અને આધુનિક માહોલ મળે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર વિસ્તારમાં આધુનિક પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તકાલય માટે અંદાજીત રૂ. 2.42 કરોડનો ખર્ચ થશે. શહેરના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે પાલિકાએ આ નવું પુસ્તકાલય તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. કુલ 1192 ચોરસ મીટર વિસ્તારમાં આ ઈમારત બાંધવામાં આવશે, જેમાં 593 ચોરસ મીટર વિસ્તાર ઈમારત માટે રહેશે. પુસ્તકાલયમાં 78 વ્યક્તિઓ માટે સામાન્ય વાંચન બેઠક વ્યવસ્થા રહેશે, જ્યારે 30 વ્યક્તિઓ માટે ઈ-લાઈબ્રેરીમાં અલગ બેઠકની વ્યવસ્થા હશે. ઉપરાંત અખબાર અને મેગેઝીન વાંચવા માટે 16 વ્યક્તિઓની અલગ બેઠક વ્યવસ્થા પણ રહેશે. આમ કુલ 124 વ્યક્તિઓ એકસાથે વાંચનનો લાભ લઈ શકશે.
પુસ્તકાલયની ઈમારત સંપૂર્ણ રીતે હવા અને ઉજાસ ધરાવતી હશે. વાંચન ઉપરાંત પુસ્તકાલયમાં આઉટડોર બેઠક વ્યવસ્થા, એક્ટીવીટી માટે ગાર્ડન સ્પેસ, ચિલ્ડ્રન પ્લે એરીયા અને ચા-કોફી માટે અલગ કાઉન્ટર રાખવામાં આવશે. ટોઈલેટ અને બાથરૂમ જેવી આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. પુસ્તકાલયના કંપાઉન્ડમાં વહીવટી કામગીરી માટે ઓફિસની સુવિધા સાથે 3 ફોર વ્હીલર અને 30 જેટલા ટુ વ્હીલર પાર્ક કરી શકાય તેવું પાર્કિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવશે. ઈમારત સંપૂર્ણપણે આધુનિક ફર્નિચર અને જરૂરી સુવિધાઓથી સજ્જ રહેશે. આ પુસ્તકાલય માત્ર પુસ્તકો વાંચવા માટેનું સ્થળ નહીં પરંતુ શહેરના યુવાનો, વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે અભ્યાસ અને જ્ઞાન મેળવવાનું કેન્દ્ર બની રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ આ પ્રોજેક્ટ શહેરના શૈક્ષણિક વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.