Vadodara

માંજલપુરમાં માનવતાને શરમાવે તેવી ઘટના: ૧૨ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, ૧૭ વર્ષીય આરોપીની અટકાયત

અશ્લીલ વીડિયો મિત્રને બતાવતા ખુલ્યો ભેદ, પરિવારની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં

સગીરાની બહેનપણીના ભાઈએ જ આચર્યું કૃત્ય, વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ
વડોદરા:
શહેરના માંજલપુર વિસ્તારમાં ૧૨ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર કૃત્ય કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ સગીરાની બહેનપણીના ૧૭ વર્ષીય ભાઈએ જ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ ઈદ પૂર્વે સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. તે દરમિયાન આરોપીએ સગીરા સાથે અશ્લીલ કૃત્ય આચરી તેનો વીડિયો મોબાઇલમાં બનાવી લીધો હતો. કેટલાક દિવસો બાદ આરોપીએ આ વીડિયો પોતાના મિત્રને બતાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
વિડિયોમાં દેખાતી બાળકી પોતાના મિત્રની બહેન હોવાનું જાણ થતા મિત્રે તરત જ ભોગ બનનારના ભાઈને માહિતી આપી હતી. ત્યારબાદ સગીરાના ભાઈએ બહેન પાસેથી હકીકત જાણી માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતા જ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે ઉમટ્યા હતા. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સગીરાને ન્યાય મળે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

Most Popular

To Top