વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવતી કાલે (૧૩ એપ્રિલે) જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પાવન ઉત્સવ નિમિત્તે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ શોભાયાત્રા શહેરના વૈષ્ણવ સમાજ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ શોભાયાત્રામાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ પધારશે અને પગપાળા ચાલીને શોભાયાત્રામાં જોડાશે, જેના કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળશે.
મહાપ્રભુજી ઉત્સવ નિમિત્તે ૧૦૦થી વધુ વૈષ્ણવો દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરવામાં આવશે, જે આ પ્રસંગને વધુ પાવન અને ઐતિહાસિક બનાવશે.
શોભાયાત્રામાં VYO વુમન્સ વિંગની ૫૦૦થી વધુ બહેનો દ્વારા તૈયાર કરાયેલા ૮ ભવ્ય ફ્લોટ્સ મુખ્ય આકર્ષણ બનશે, જેમાં મહાપ્રભુજીના જીવનચરિત્રોનું જીવંત દર્શન કરાવવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો ભાગ લેશે.
સાથે જ VYO યુથ વિંગના યુવાનો પરંપરાગત વેશભૂષા ધોતી-બંડી ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે, જે યાત્રાને વધુ ભવ્યતા આપશે.
આ મહોત્સવના મુખ્ય મનોરથી કૌશિકભાઈ અને રચનાબેન શાહ રહેશે. ઉપરાંત, વૈષ્ણવો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવશે તેમજ વ્રજધામ સંકુલ ખાતે મહાપ્રભુજીના કેસર સ્નાનનો વિશેષ લાભ આપવામાં આવશે.
આ સાથે જ ૫૦૦થી વધુ બાળકો દ્વારા મહાપ્રભુજીના જીવન પર આધારિત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે તેમજ નાના બાળકો દ્વારા ભાવપૂર્ણ કાર્યક્રમો યોજાશે.શોભાયાત્રા માંજલપુરના બેન્કર્સ હોસ્પિટલથી પ્રારંભ થશે અને તુલસીધામ ચાર રસ્તા, સરસ્વતી ચાર રસ્તા માર્ગે પસાર થઈ પંચશીલ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે. માર્ગમાં વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં આ શોભાયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં વૈષ્ણવો તથા ભક્તો ઉપસ્થિત રહી આ દિવ્ય પ્રસંગને યાદગાર બનાવશે.