VHP માંજલપુર પ્રખંડની ટીમે સ્ટોલ પર જઈ ફટાકડા પાણી ભરેલી ડોલમાં નાખી ‘વિસર્જન’ કર્યું, વેપારીને કડક સૂચના અપાઈ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફટાકડાના એક સ્ટોલ પર હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોવાળા રેપર ધરાવતા ફટાકડાનું વેચાણ થતું હોવાની માહિતી મળતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાતી હોવાના મુદ્દે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, માંજલપુર વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ પર વેચાતા કેટલાક ફટાકડાના પેકેજિંગ પર હિન્દુ દેવી-દેવતાઓના ફોટા છાપેલા હતા. હિન્દુ સંગઠનોનું માનવું છે કે આવા ફટાકડા ફોડવામાં આવે ત્યારે ભગવાનના ફોટા વાળા ફટાકડા ધડાકાભેર ફાટે છે, જે ભગવાનનુ અપમાન છે, દારૂના ગોળા ફાટતા રેપર ગંદકીમાં કે પગ નીચે પણ આવતા હોવાથી હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે છે અને લાગણી દુભાય છે. જેથી હિન્દુ દેવી દેવતા ના ફોટા વાળા ફટાકડા ન ફોડવા જોઈએ.

હિન્દુ દેવી દેવતા ના રેપર વાળા નું વેચાણ થતું હોય આ અંગે જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદના માંજલપુર પ્રખંડના સંયોજક અને તેમની ટીમ તેમજ બજરંગ દળના કાર્યકરો ફટાકડાના સ્ટોલ પર ધસી ગયા હતા. તેમણે સ્ટોલ માલિકને આ પ્રકારના ફટાકડાના વેચાણ અંગે સખત વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ દરમિયાન, VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓએ હિન્દુ દેવી-દેવતાના ચિત્રોવાળા તમામ ફટાકડા એકઠા કરી તેને પાણી ભરેલી ડોલમાં નાખી દીધા હતા અને આ રીતે ફટાકડાને નિષ્ક્રિય કરી તેમનું ‘પાણીમાં વિસર્જન’ કર્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદના માંજલપુર પ્રખંડના સંયોજક અને તેમની ટીમે સ્ટોલ માલિકને સ્પષ્ટ સૂચના આપી હતી કે ભવિષ્યમાં હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોવાળા ફટાકડાનું વેચાણ કરવું નહીં. સંગઠને ચેતવણી પણ આપી છે કે હિન્દુ દેવી-દેવતાઓના ફોટાવાળા ફટાકડાનું વેચાણ કરવાથી હિન્દુઓની લાગણી દુભાય છે, માટે વેપારીઓએ આવા ફટાકડાનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવું. જો આ ચેતવણીની અવગણના કરવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાયદેસરની કાર્યવાહી સહિત અન્ય પગલાં લેવામાં આવશે.
આ ઘટનાને પગલે માંજલપુર વિસ્તારના ફટાકડાના વેપારીઓમાં થોડો તણાવ જોવા મળ્યો હતો, જ્યારે VHP અને બજરંગ દળના આ પગલાંને કારણે ધાર્મિક આસ્થાનું સન્માન જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.