દાનપેટી તોડી રૂ.1.56 લાખની ચોરી, ભક્તોમાં રોષ
સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા પોલીસની તજવીજ
પ્રતિનિધિ, વડોદરા તા. 20:
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તસ્કરો દ્વારા એક સાથે ત્રણ મંદિરોને નિશાન બનાવતા ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ સાઈ, જલારામ અને મહાદેવ મંદિરમાં તોડફોડ કરીને દાનપેટીમાંથી કુલ રૂ.1.56 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, જ્યુપીટર ચાર રસ્તા નજીક આવેલા સાઈ મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરો તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. મંદિરની સ્ટેનલેસ સ્ટીલ દાનપેટી તોડી અંદર રહેલા અંદાજે રૂ.1.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મંદિરના પ્રમુખ આનંદભાઈ ભગવાનદાસ સોનવણેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જણાવવામાં આવ્યું છે કે, ગત 13 માર્ચની રાત્રે મંદિરના મહારાજ નૈનેશભાઈ ત્રિવેદીએ દરવાજો બંધ કર્યો હતો. બીજા દિવસે સવારે તેઓ મંદિરે પહોંચતા તાળું તૂટેલું જોવા મળ્યું હતું, જે બાદ તરત જ મંદિર સંચાલકોને જાણ કરવામાં આવી હતી.
તે જ રાત્રે માંજલપુર સ્મશાન નજીક આવેલા જલારામ અને મહાદેવ મંદિરમાં પણ ચોરીની ઘટના સામે આવી હતી, જ્યાંથી તસ્કરો રૂ.6 હજારની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.
આ બનાવ બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, કારણ કે તસ્કરો હવે ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવી રહ્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.