
માંજલપુરના ઇલેક્શન વોર્ડ નં.17 ના મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા પાલિકા પાસેથી રૂ.1 ના ટોકન ભાડેથી ગરબા મેદાન લીધું અને સમસ્ત પાટીદાર સમાજના ગરબા આયોજકોને મેદાન મનમાની કરવા સોંપ્યું!



(પ્રતિનિધિ) વડોદરા તા.24
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નં. 17 માં પરોક્ષ રીતે સ્થાનિક મહિલા મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા નવરાત્રિ દરમિયાન પાલિકાનું ગરબા ગ્રાઉન્ડ રૂ.1 ના ટોકન ભાડેથી મેળવી સમસ્ત પાટીદારના આયોજકોને સોંપી પોતે પડદા પાછળ આ ગરબાનું આયોજન કર્યું છે.અહી ગરબા આયોજકો દ્વારા ગેરકાયદેસર રીતે વરસાદી અને ડ્રેનેજ લાઇનનુ જોડાણ કરી પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા લગાવેલી ફેન્સિંગ પણ તોડી નાખી છે સાથે જ કચરાપેટી પણ બંધ કરાવી આ જમીન પર મનમાની કરી રહ્યા છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નં.17 ના સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર સંગીતાબેન પટેલ તથા તેમના પતિ બાબાભાઇ પટેલ દ્વારા પાલિકાની જગ્યા પર કેવી મનમાની કરાવવામાં આવી રહી છે તે જોઇને શું મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી? મ્યુનિસિપલ કાઉન્સિલર સંગીતાબેન પટેલ અને તેમના પતિ બાબાભાઇ દ્વારા નવરાત્રિ માટે રૂ.1 ટોકન ભાડેથી ગરબા મેદાન મેળવી આ મેદાન પર સમસ્ત પાટીદાર સમાજના આયોજકોને અપાવી ગરબાનું આયોજન કર્યું છે જેમાં પોતે પણ આયોજક છે . અહીં આયોજકોએ સારા રોડને ખોદીને વરસાદી ડ્રેનેજના પાઇપ લાઇનનું જોડાણ આ મેદાનમાં કરી દીધું છે.પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા કરવામાં આવેલી લોખંડની ફેન્સિંગ તોડી નાખી ત્યાં ગેટ ઉભો કરી દીધો છે સાથે સાથે અહીંયા જે કચરાપેટી મૂકેલી હતી તે બંધ કરાવી દીધી છે.આમ સરકારી જમીન અને તેના પરની પ્રોપર્ટી ને નુકસાન કર્યું છે જાણે મહિલા કાઉન્સિલરે આ જગ્યા ખરીદી લીધી હોય. શું મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ? તે બાબત ચર્ચાનો વિષય બની છે.