ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને દબોચ્યો, રૂ. 2.83 લાખનો મુદ્દામાલ કબ્જે
વડોદરા, તા. 10
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી રશિયા તેમજ ઓસ્ટ્રિયા દેશથી આયાત કરેલી સ્ટેરોઇડ ટેબ્લેટ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇન્જેક્શનનો ગેરકાયદે વેચાણ કરતો એક શખ્સ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. બોડી બિલ્ડીંગમાં ટૂંકા સમયમાં મસલ ગેઇન કરાવી આપવાના ખોટા દાવા સાથે યુવાધનને ગેરમાર્ગે દોરતી આ શક્તિવર્ધક દવાઓનો રૂ. 2.83 લાખનો બીલ વગરનો જથ્થો કબ્જે કરી માંજલપુર પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં કેટલાક શખ્સો દ્વારા તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર શરીર માટે હાનિકારક સ્ટેરોઇડ અને હોર્મોન આધારિત દવાઓ ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટ તરીકે ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સના સહારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે દેવપુષ્પ કોમ્પ્લેક્સમાં આવેલી ‘સિદ્ધી ન્યુટ્રીશન’ નામની દુકાનમાં શંકાસ્પદ દવાઓનું વેચાણ થાય છે.
આ આધારે ક્રાઇમ બ્રાન્ચે દુકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી અમિષકુમાર અશોકકુમાર કોરી (રહે. જયરામનગર, એરફોર્સ રોડ, મકરપુરા)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી સ્ટેરોઇડ દવાઓ તેમજ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇન્જેક્શન વીઆલ અને બોક્સ પેકિંગ મળી આવ્યા હતા. આરોપી પાસે આ દવાઓના કોઈ બીલ કે આધાર પુરાવા ન હોવાનું બહાર આવ્યું હતું.
બિલ વગર અને તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના સ્ટેરોઇડ તથા હોર્મોન આધારિત દવાઓનું વેચાણ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમરૂપ હોવાનું જણાતા પોલીસે રૂ. 2.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.