23વર્ષ પૂર્વે અહીં નાગણનુ ફોર વ્હીલર નીચે આવી જતાં મોત થતાં નાગદેવતાએ પોતાનું ફણ પછાડી જીવ આપી દીધો હતો, અહીં શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની ભક્તોની આસ્થા
વડોદરા: આજે વિક્રમ સંવત 2081 ને શ્રાવણ સુદ પાંચમ ને મંગળવાર છે સાથે જ આજે નાગપંચમી પણ છે, ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે વહેલી સવારથી શ્રધ્ધાળુઓએ દર્શન પૂજન કર્યા હતા. અહીં એવી માન્યતા છે કે 23 વર્ષ પૂર્વે આસપાસ એક ફેક્ટરી હતી અને ત્યાં નાગ નાગનું જોડું રહેતું હતું. જે સાથે જ વિહાર કરતું હતું પરંતુ એક દિવસ નાગણ નીકળી હતી, ત્યારે એક ફોર વ્હીલર ગાડી નીચે આવી જતાં નાગણનુ મૃત્યુ નિપજ્યું હતું. જેથી નાગણની શોધમાં પાછળ આવેલા નાગે નાગણ જ્યાં મૃત્યુ પામી હતી ત્યાં જ પોતાનું ફણ પછાડી પછાડીને નાગણની પાછળ જીવ આપી દીધો હતો જેથી ભક્તોએ તે જ જગ્યાએ શ્રી નાગ નાગેશ્વરી નું મંદિર બાંધ્યું હતું.

આજે 23 વર્ષ પૂર્ણ થયા છે અને 24મા વર્ષે શ્રધ્ધાળુઓ એ નાગપંચમી ના પાવન પર્વે અહીં દૂધ, શ્રીફળ,ફૂલ વિગેરે ચઢાવી પૂજા કરી હતી અને દર્શન કર્યા હતા.

શ્રધ્ધાળુઓની માન્યતા પ્રમાણે અહીં જેઓને સંતાન નથી થતા અથવા કોઈ પણ પ્રકારની માનતા માનવામાં આવે છે તો શ્રી નાગ નાગેશ્વરીના આશીર્વાદથી નિઃસંતાન દંપતીને પણ સંતાનની પ્રાપ્તિ થાય છે અને અન્ય મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેવી ભક્તોની અતૂટ આસ્થા અને વિશ્વાસ થકી અહીં મોટી સંખ્યામાં ભક્તો વડોદરા જ નહીં પરંતુ દૂર દૂરથી આવે છે.