ધારાસભ્યના નામે ઠગોએ ફેસબુક એકાઉન્ટ બનાવીને કાર્યકરોને કોલ કર્યા

માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું બોગસ ફેસબુક એકાઉન્ટ ખુલતા સમગ્ર ઘટનામાં ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યના કેટલાક કાર્યકરોને ફોન કૉલ આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. બાદમાં તપાસમાં ખબર પડી કે યોગેશ પટેલના ભાષણ આપતાં ફોટો સાથે કોઈ અજાણ્યા શખ્સે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું.
આ બોગસ એકાઉન્ટના મારફતે શરૂઆતમાં કેટલાક મેસેજ અને વાતચીત પણ કરવામાં આવી હતી. હદ તો ત્યારે વટાઈ, જ્યારે ઠગ દ્વારા ધારાસભ્યના કાર્યકરોને કોલ કરવામાં આવ્યો. આ ઘટનાથી ચિંતિત ધારાસભ્ય યોગેશ પટેલે લોકોને તેમના નામના બોગસ એકાઉન્ટ અથવા કોલથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે.

સમગ્ર ઘટનાની જાણ કરતાની સાથે જ સાયબર સેલને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. સાયબર સેલ દ્વારા આ કિસ્સાના તમામ પાસાંઓની તપાસ શરૂ કરવામાં આવી છે અને જલ્દી જ બોગસ એકાઉન્ટ બનાવનારા શખ્સની ઓળખ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે રાજ્યના રાજકીય આગેવાનોના નામે બોગસ એકાઉન્ટ બનાવવાની ઘટનાઓ બની છે. અગાઉ પણ મંત્રીઓ, ધારાસભ્યો, પોલીસ અધિકારીઓ અને અન્ય રાજકીય આગેવાનોના નામે આ પ્રકારના બનાવો થઈ ચૂક્યા છે.
હાલમાં ધ્યાને રાખવાની વાત એ છે કે આવા બોગસ એકાઉન્ટ અને ઠગો સામે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. કોઈ પણ શંકાસ્પદ લિંક, મેસેજ કે કોલને ઓળખ્યા વગર તેના પર પ્રતિક્રિયા આપવી ન જોઈએ.