Vadodara

મહેસૂલી સુધારણા માટે સરકારના વિકાસના અવિરત પગલાં, સિટી સર્વેની કચેરીઓમાં પણ વ્યાપક ફેરફાર જરૂરી

જે કચેરીમાં ગુજરાતની તમામ મિલકતોના રેકોર્ડ ઉપલબ્ધ છે, તેના પ્રત્યે જ ઓરમાયું વર્તન કેમ?

વડોદરા: ગત શુક્રવારે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ સુધારાથી રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરવામાં આવેલા બાંધકામ અને મિલકતોને કાયદેસરના હક્કો મળશે. જેનાથી લાખો નાગરિકોને ચોક્કસ વિશેષ આર્થિક લાભ થશે. પરંતુ જે કચેરીઓમા તમામ મિલકતોના રેકોર્ડ હોય છે તે કચેરીઓમાં રેકોર્ડ સંલગ્ન કામગીરી કરાવવી હોય તો સેકડો ધક્કા ખાવા પડે છે. રાજ્ય સરકારે ખાસ આ કચેરીઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને સત્વરે પગલા લઈને અરજદારોની કામગીરી તાત્કાલિક થઇ શકે તેવું આયોજન કરવું જોઈએ.

વિધાનસભા ગૃહમાં મહેસુલ સુધારા અંગે મહેસૂલ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અનેક કચેરીઓમા કામગીરી સત્વરે થાય તેવી તાકીદ કચેરીઓના અધિકારીઓને કરી છે. પરંતુ જે પ્રોપર્ટી કાર્ડ કે 7 અને 12 ના ઉતારા વગર દસ્તાવેજ નોંધાતા જ નથી તે સિટી સર્વે કચેરીમા અનેક રેકર્ડમાં સુસંગતતા જ નથી. જુના અસલ રેકર્ડ અને કોમ્પ્યુટરાઇઝ રેકોર્ડમાં અનેક વિસંગતતા સ્પષ્ટ જોવા મળે છે. સ્થળ પરીક્ષણ મુજબ રેકોર્ડ ના હોય અને રેકોર્ડ મુજબ સ્થળ પર માપમાં અલગ દર્શાવ્યું હોય તેવા સેકડો પ્રોપર્ટી કાર્ડ છે. સૌથી મોટી સમસ્યાઓ તો એ સર્જાય છે કે શહેર બહારનો કેટલોક વિસ્તાર જે સિકોન સર્વે કંપનીને સોંપાયો હતો. તે વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ વધારાના વિસ્તાર તરીકે ઓળખાય છે અને તેના તમામ રેકોર્ડ તેમની કચેરીમાં જ ઉપલબ્ધ છે તે વિસ્તારનું પ્રોપર્ટી કાર્ડ જોઈતું હોય તો સિકોન સર્વે ખાનગી કંપનીની કચેરીનો સંપર્ક કરવો પડે. રાજ્ય સરકાર એટલી તો સક્ષમ છે કે જમીન મિલકત શાખાનું સંપૂર્ણ સંચાલન કરી શકે પરંતુ સિકોન સર્વે કંપનીને ઘણા વર્ષોથી મિલકતોના રેકોર્ડ અંગે સંચાલન કરવા આદેશ અપાયા છે.? મિલકત રેકોર્ડના ખાનગી સંચાલનના કારણે સેકડો સમસ્યાઓ ઉભી થઇ છે. છતાં સરકાર તરફથી અસરકારક પગલા ભરાતા નથી? છેલ્લા દસ વર્ષમાં વડોદરા શહેરનો વિકાસ થયો છે તે પ્રમાણે સીટી સર્વેના રેકોર્ડ નો કોઈ વિકાસ થયો જ નથી આજે પણ એવા સેકડો વિસ્તાર છે કે સોસાયટીઓના પ્રોપર્ટી કાર્ડ જ નથી. રાજ્ય સરકાર પાસે આટલો મોટો મહેસુલ વિભાગ હોવા છતાં જમીન મિલકત શાખાનું સંચાલન ખાનગી કંપની વર્ષોથી કેમ કરી રહી છે? આ બાબતે તો સીટી સર્વે કચેરી અને તે એસ એલ આર કચેરીના અધિકારીઓ પણ ગોળ ગોળ જવાબ આપ્યા છે. સેકડો સોસાયટીના લાખો મિલકત ધારકોને ખબર જ નથી કે તેમની મિલકત સીટી સર્વેની હદમાં છે કે સિકોન સર્વેની હદમાં? રાજ્ય સરકારનો અભિગમ પારદર્શક અને સુશાંત સુશાસનનો છે. કારણ કે સરકારના જમીન વિકાસ બાબતના પગલાને પ્રજાએ આવકારી છે. કારણકે ગુજરાતના વિસ્તારોની નવી નવી અવિભાજ્ય શરતોની જમીનો હવે પ્રીમિયમ મુક્ત કરીને હાઉસિંગ અને શહેરી વિકાસ માટે અસરકારક પગલાં ભરવા જઈ રહી છે જેના કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્રને વ્યાપક વેગ મળી રહેશે. તેથી જ બીજી તરફ જમીન મિલકત શાખાની કચેરીઓને આધુનિકીકરણ કરીને વહીવટમાં પારદર્શકતા લાવે તો નાગરિકોની મિલકત ના રેકોર્ડ સ્પષ્ટ થાય.

શહેરીજનોને વધારાના વિસ્તાર અંગે જાણકારી ક્યારે અપાશે?
શહેરોની આસપાસના વિસ્તારોમાં નાગરિકો સરકારના વિવિધ કાયદાઓ હેઠળ શરતભંગ થતો હોવા છતાં ચોક્કસ રકમ ચૂકવીને મકાનો કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરીને તેમને કાયદેસર સુધારો લાવવામાં આવ્યો છે. સરકારનો આશય નાગરિકોને રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્ક પ્રાપ્ત થાય અને તેમના સર્વાંગી હિતો સુનિશ્ચિતતાના સુધારા દાખલ થવાથી કાયદા સંબંધિત અર્થઘટનના પ્રશ્નો, લિટિગેશન અને વહીવટી ગૂંચવણો પણ ઘટશે. સીટી સર્વેના રેકોર્ડની કાયદાની અજ્ઞાનતાના કારણે ઘણા નાગરિકો જરૂરી મંજૂરી લીધા વિના રહેણાંકનાં બાંધકામો કરી ચૂક્યા છે તેવી પણ સેકડો મિલ્કતો ના પ્રોપર્ટી કાર્ડ જ નથી.

અલકાપુરી વિસ્તારમાં કરોડોની મિલ્કતોનું રેકોર્ડ ખાનગી કંપની પાસે જ મળે.
જમીન મિલકત અંગેના કાયદાના નિષ્ણાત વિષ્ણુ લીમ્બચીયા એ આ બાબતે એવું જણાવ્યું હતું કે રાજ્ય સરકારના હસ્તક રીયલ એસ્ટેટમાં ઘણો સારો વિકાસ થયો છે. પરંતુ વધારાના વિસ્તાર તરીકેનું રેકોર્ડ ખાનગી કંપની પાસે જ કેમ? કાલ ઉઠીને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થાય તો અદાલત ખાનગી કંપનીના રેકોર્ડને માન્ય ગણે? જમીન એનએ થઈ જાય ત્યારબાદ સીટી સર્વે નંબર પાડવા પડે જે કામગીરી ખરેખર માત્રને માત્ર મહેસુલ વિભાગની સીટી સર્વે કચેરી જ કરી શકે આ કેવો કાયદો છે? આ બાબતે રાજ્ય સરકારની મહેસુલ વિભાગે સત્વરે સરકાર પગલા લેવા જોઈએ તેવી માંગ કરી હતી.

Most Popular

To Top