પતિથી અલગ રહેતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી ત્રણ વર્ષ સુધી શોષણ કર્યું, નડિયાદમાં ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત
નડિયાદ, તા.20 :
મહેમદાવાદમાં રહેતી અને પતિથી અલગ રહેતી એક મહિલાએ પોલીસ ખાતામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે મહિલાએ ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીને નડિયાદ ખાતે લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.
ફરિયાદ મુજબ મહિલાના લગ્ન આશરે દસ વર્ષ પહેલાં થયા હતા, પરંતુ સાસરીમાં અણબનાવ હોવાના કારણે તે છેલ્લા ત્રણ વર્ષથી પિતાના ઘરે રહે છે. આ દરમિયાન મહેમદાવાદ પોલીસ લાઇનમાં રહેતા અને પોલીસ ખાતામાં ફરજ બજાવતા પ્રવિણસિંહ ભરતસિંહ ચૌહાણ સાથે તેનો પરિચય થયો હતો. આરોપીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સહાનુભૂતિ દર્શાવી મિત્રતા કેળવી હતી, જે બાદમાં પ્રેમસંબંધમાં બદલાઈ ગઈ હતી. આરોપીએ લગ્ન કરવાની ખાતરી આપી તેમજ મહિલાની દીકરીને અપનાવી લેવાની વાત કરી વિશ્વાસ જીત્યો હતો.
મહિલાનો આક્ષેપ છે કે આ લાલચ આપી આરોપી તેને કઠલાલની રોયલ હોટલ સહિત વિવિધ સ્થળોએ લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. આ સંબંધ ત્રણથી ચાર વર્ષ સુધી ચાલ્યો હતો. સમય જતા મહિલાને જાણવા મળ્યું કે આરોપી પહેલેથી પરણેલો છે અને તેને સંતાન પણ છે. લગ્ન બાબતે દબાણ કરતા આરોપી બહાના કાઢતો રહ્યો અને અંતે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
: ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ
મહિલાએ અરજીમાં જણાવ્યું છે કે આરોપી સાથેના સંબંધો દરમિયાન તે ગર્ભવતી બની હતી. આરોપીએ બાળક રાખવાની ના પાડી ધાકધમકી આપી દવાઓ ખવડાવી બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો, જેના કારણે તે માનસિક અને શારીરિક રીતે તૂટી પડી હતી.
અપહરણ કરી ત્રણ દિવસ ગોંધી રાખ્યાનો આરોપ
ફરિયાદ અનુસાર 13/01/2026ના રોજ આરોપી મહિલાના ઘરે ઘસી આવ્યો હતો, માર માર્યો હતો અને વાળ પકડી ગાડીમાં બેસાડી અજાણી જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખી અને પોલીસમાં નોકરી હોવાનો ડર બતાવી ફરિયાદ કરશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે પોલીસે અરજી સ્વીકારી તપાસ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.