(પ્રતિનિધિ) નડિયાદ, તા.23
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામ નજીક આવેલી એક કંપનીમાં આકસ્મિક આગનો બનાવ સામે આવ્યો છે. પેપર મીલમાં લાગેલી આગમાં લાખોનો મુદ્દામાલ ભસ્મ થઈ ગયો છે.
મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામથી ખેડા કેમ્પ તરફ જવાના રસ્તા પર ફાટક પાસે નારાયણ ફેક્ટરી આવેલી છે, જેમાં પેપર મીલનું કામ થાય છે. આ ફેક્ટરીની બહાર પડેલા મુદ્દામાલમાં આજે આકસ્મિક કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગે ગણતરીના કલાકોમાં ફેલાઈ ગઈ હતી. આ આગની ઘટનામાં પેપર મીલનો તમામ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. સેકન્ડોમાં જ આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ, જેમાં તમામ મુદ્દામાલ હોમાઈ ગયો હતો. આ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.
હાલ આ આગની ઘટના અંગે સાંભળતા જ વરસોલા ગામના સરપંચ મહેબુબભાઈ સ્થળ પર પહોંચી ગયા છે. તો બીજીતરફ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરી દેવાઈ છે. જેના પગલે ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
