મહેમદાવાદમાં ચૂંટણી બાદ સત્તાની ખેંચતાણ વચ્ચે પ્રજાના પ્રશ્ન ભુલાયાં
મુખ્ય રસ્તા ઉપર ગટરના ગંદા પાણી ઉલેચી મંદિરે દર્શન કરવા માટે જતાં શ્રદ્ધાળુમાં રોષ
(પ્રતિનિધિ) મહેમદાવાદ તા.19
મહેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વચ્ચે પ્રજાના પ્રશ્નો ભુલાયાં હતાં. ચૂંટણી પ્રચાર અને પરિણામ બાદ મલાઇદાર જગ્યા માટે ખેંચતાણ કરતાં વિજેતા ઉમેદવારોમાંથી કોઇને પ્રજાને પડતી હાડમારી અંગે રજુઆત કરવા સમય જ નથી. મહેમદાવાદના પંચમુખી હનુમાનજી મંદિર તરફ ગટરના ગંદા પાણી ફરી વળ્યાં છે. આ અંગે દસ દિવસથી રજુઆત કરવામાં આવે છે. આમ છતાં કોઇ પગલાં ન ભરાતાં આખરે પાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
મહેમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાન મંદિર તરફ આવવાના રસ્તે મહી કેનાલ સિંચાઈની ઓફિસો તોડી પાડવામાં આવતાં ત્યાં એક ગટર તૂટી છે.જેનું પાણી છેલ્લા દસ દિવસથી પાછળની સાઈડે આવેલા હનુમાન મંદિરના રોડ ઉપર ઉભરાઈને ચોમેર ફરી વળે છે. જેના પરિણામે ત્યાં રહેતા ગરીબ પરિવારજનો અને દસ સોસાયટીના અવરજવર કરી રહેલા રહીશોને ભારે મુશ્કેલીઓ અનુભવી પડી રહી છે. આ ગટરોના પાણીમાં થઈને જ મંદિરોમાં દર્શન કરવા જતાં અને આવતાં પ્રજાજનોને ભારે ગંદા પાણીમાંથી પસાર થતાં ભારે સુગ અનુભવી પડે છે.બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ વધી ગયો છે. આ બાબતે વારંવાર રજુઆત છતાં નગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નહતું. આખરે સામાજિક કાર્યકર મહેશભાઈ મહેતા દ્વારા બુધવારના રોજ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ – દસ દિવસથી ગટરોના ગંદા પાણી વચ્ચે વસવાટ કરી રહેલા પ્રજાજનોને મચ્છરો કરડવાના પરિણામે તથા દુર્ગંધ યુક્ત પાણીમાંથી પસાર થતાં ભારે રોગચાળો થવાની દેહશત વર્તાઈ રહી છે. આ બાબતે જો રોગચાળો ફેલાશે તો તે બાબતે કોણ જવાબદાર ગણાશે…?? આ બાબતે હવે કલેકટરને પણ રજૂઆત કરવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે. આ કામ તાત્કાલિક નહીં થાય તો હવે આ વિસ્તારના રહીશો તથા સોસાયટીઓના પ્રજાજનો દ્વારા આવેદનપત્ર આપવા માટેનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહિં સિંચાઈ ભાગની દિવાલમાં જયાંથી પાણી નીકળી રહ્યું છે.ત્યાં પણ પાણી બંધ કરવા માટેની કામગીરી કરવી પડે તેવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. આ બાબતે જે કંઈ પણ થશે તેના માટે તંત્ર જવાબદાર ગણાશે,તેની નોંધ લેવા સૌ સંબધિત તંત્રને જણાવવામાં આવે છે.
મહી સિંચાઇ વિભાગની રજુઆત પણ પાલિકા ઘોળી પી ગઇ
મહેમદાવાદમાં ગટરના ગંદા પાણી બાબતે મહી સિચાઇ ખાતામાં પણ રજૂઆત કરતાં ત્યાંના અધિકારીઓએ પણ અમે પણ આ બાબતે પાલિકામાં વારંવાર રજૂઆત કરી છે. પરંતુ પાલિકા અમારું સાંભળતી નથી. તેમ કહીને તેઓએ હાથ અધ્ધર કરી દીધા હતા, હવે બીજી તરફ રજૂઆતના પરિણામે રૂબરૂમાં નગરપાલિકાના કર્મચારીઓ, મહિં સીંચાઇના કર્મચારીઓ અને ત્યાંના રહીશો દ્વારા મહેશભાઈ મહેતાના વડપણ હેઠળ રજૂઆત કરતાં હમણાંજ થોડા સમયમાં જ કામ શરૂ કરાવી દઉં છું. તેમ આશ્વાસન આપવામાં આવ્યું હતું.