સાવલી તાલુકાના લાંછનપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી નદીમાં વડોદરાનો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ યુવક મિત્રો સાથે ન્હાવા પડતા ડૂબી ગયો
સાવલી: સાવલી તાલુકાના લાંછનપુરા ગામની સીમમાંથી પસાર થતી મહી નદીમાં વડોદરાનો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ યુવક મિત્રો સાથે ન્હાવા પડતા નદીમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્તા સાવલી પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સાવલી પોલીસ મથકે મૃતક દિવ્ય ગુપ્તાના પિતા રાકેશ ગોકુલ પ્રસાદ ગુપ્તા, ઉંમર ૫૩ વડોદરા, ૩૦ ,નઆરાધના ડુપ્લેક્સ લક્ષ્મીપુરા ગોરવાએ પોતાની જાણવા જોગ ફરિયાદ માં નોંધાવ્યું છે કે તેમનો પુત્ર દિવ્ય ૪ તારીખે સવારે કોમ્પ્યુટર કલાકલ્ટ સ્ટુડિયોમાં જવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની મમ્મીને ફોન કરીને જણાવ્યુ હતું કે ઓફિસમાં બહુ કામ હોવાથી રાત્રે ઘરે નહીં આવી શકું અને હું તથા મારા મિત્રો સ્ટુડિયોમાં જ રોકાઈ જઈશું. ત્યારબાદ તારીખ ૫/૧૧ ના રોજ સાંજે ૭ વાગ્યાની આસપાસ પિતા પોતાના ઘેર પરિવાર સાથે હાજર હતા ત્યારે દિવ્ય નો મિત્ર વિરાજ ઘરે આવ્યો હતો ત્યારે તેના ફોનમાં કોઈનો ફોન ચાલતો હતો. ત્યારે જાણવા મળ્યું કે સાવલી તાલુકાના લાછનપુરા ગામે મહીસાગર નદીમાં દિવ્ય ડૂબી ગયો છે. તેથી તેઓ લાંછનપુરા ખાતે પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સાવલી પોલીસે યુવકની શોધખોળ આદરી હતી. પરંતુ ક્યાંય પતો જડ્યો ન હતો. રાત્રે અંધારું થઈ ગયું હોવાથી સવારમાં ફાયર બ્રિગેડ વડોદરાની મદદ લેવામાં આવી હતી . તેઓએ મહિસાગર નદીમાંથી દિવ્ય ગુપ્તાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક યુવક દિવ્ય રાકેશભાઈ ગુપ્તા આઈ ટી એમ યુનિવર્સિટી જરોદમાં એન્જિનિયરિંગ માં અભ્યાસ કરતો હતો. સાથે સાથે પાર્ટ ટાઈમ માં ગ્રાફિક ડિઝાઇનરનું કામ કરતો હતો. મૃતક. અપરણિત હતો અને મૃતક ના પિતા ને બે પુત્રો હતા. મૃતકનો નાનો ભાઈ 15 વર્ષ નો હોવાનું જાણવા મળી રહ્યું છે.