Charotar

મહીસામાં વિધર્મીએ ખેડૂત પર હુમલો કરતાં રોષ

મહુધા તાલુકાના મહીસા ગામમાં ચાર લેવા બાબતે ઝઘડો થતાં ખેડૂત પર તલવાર વિંઝી

ખેડા જિલ્લામાં શાંતિ ડહોળાય તે પહેલા પોલીસે પહોંચી પગલાં ભરવાના શરૂ કર્યાં

(પ્રતિનિધિ) મહુધા, ડાકોર તા.4

મહુધા તાલુકાના મહીસા ગામની સીમમાં કેનાલ નજીક ખેતરમાં ચારો લઇ રહેલા વિધર્મીઓને ખેડૂતે રોક્યાં હતાં. જેથી વિધર્મી ઉશ્કેરાઇ ગયાં અને તલવાર સહિતના હથિયારો સાથે ખેડૂત અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યાં હતાં. લોકોના ટોળા ભેગા થઇ જતાં તંગદીલી વ્યાપી હતી. જેના પગલે ખેડા પોલીસનો કાફલો મહિસા પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલાખોર ત્રણ વિધર્મી સામે ગુનો નોંધ્યો હતો.

ઠાસરા તાલુકાના રવાલીયા ગામમાં રહેતા ખુમાનસિંહ ઇશ્વરસિંહ ચાવડાનું ખેતર મહીસા ગામની સીમમાં નહેર પાસે આવેલું છે. ખુમાનસિંહ 4થી સપ્ટેમ્બરના રોજ વ્હેલી સવારે તેમના કાકા સુરેશભાઈ, પિતરાઇ ગોપાલભાઈ સાથે ખેતરમાં ચાર કાપવા માટે ગયાં હતાં. આ સમયે સાજીદ આસીફ મોમીન (રહે. નિઝામપુરા, તા. મહુધા) તેમના ખેતરના શેઢા પરથી ચાર કાપતો હતો. જેથી સુરેશભાઈએ તેને રોકી તું કેમ અમારા શેઢા પરથી ચાર કાપે છે ? તેમ કહેતા સાજીદ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને હું તો અહીં જ ચાર કાપવાનો. તારાથી થાય તે કરી લેજે. તેમ કહી  કોઇને ફોન કર્યો હતો. જેના પગલે થોડી જ વારમાં નિઝામપુરા ગામનો સલમાન મોમીન અને તેની સાથે અન્ય એક માણસ ટ્રેક્ટરમાં બેસી ખુમાનસિંહના ખેતરમાં ધસી આવ્યાં હતાં. આ સમયે સલમાનના હાથમાં તલવાર હતી અને બીજા શખ્સના હાથમાં લાકડાનો દંડો હતો. સલમાને તેના હાથમાં રહેલી તલવાર ખુમાનસિંહના ગળાના ભાગ તરફ જોરથી મારવા આવેલો હતો. આજે તને છોડવાનો નથી. તેમ કહી તલવારનો ઘા કર્યો હતો. જોકે, ખુમાનસિંહ નીચે પેસી જતાં બચી ગયાં હતાં. આ સમયે સાજીદ અને અજાણ્યા શખ્સે સુરેશભાઈ પર લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં તે નીચે પડી જતાં સલમાન તલવાર લઇ તેમને મારવા ધસી ગયો હતો. જોકે, સુરેશભાઈ હટી જતાં તેમને પગની ઘુંટીના ભાગે તલવારનો ઘા વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલામાં બુમાબુમ થતાં નજીકના ખેતરમાંથી ખુમાનસિંહના બીજા કાકા રાયભણ દોડી આવ્યાં હતાં. પરંતુ તેમના પર પણ લાકડીથી હુમલો કર્યો હતો. આ ઝઘડાના પગલે નિઝામપુરાના અને રવાલિયાના ગ્રામજનો સામસામે આવી ગયાં હતાં. જોકે, બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. જેના પગલે નિઝામપુરાના લોકો લાકડી, તલવાર અને ટ્રેક્ટર મુકી ભાગી ગયાં હતાં. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સુરેશભાઈને તાત્લાકિ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે મહુધા પોલીસે સલમાન મોમીન, સાજીદ આસીફ મોમીન અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

મહુધાના મહીસા ગામમાં વિધર્મી દ્વારા ખેડૂત પર હુમલો કરવાના મુદ્દે ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી. આ મુદ્દે આસપાસના ગામમાં શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત આસપાસના પોલીસ સ્ટેશન અને જિલ્લામાંથી જવાનો ફાળવવામાં આવ્યાં છે.

ઠાસરા ધારાસભ્ય દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી

ઠાસરાના રવાલીયા ગામના ખેડૂત પર થયેલા હુમલાના લઇ ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જન્મી છે. આ મુદ્દે ટોળા એકત્ર થયાં હતાં. જેના પગલે ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર ધસી ગયાં હતાં અને તેઓએ શાંતિની અપીલ કરી હતી.

Most Popular

To Top