Business

મહીસાગર જિલ્લામાં પીઓપીના ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ

પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરીને બનાવેલી પ્રતિમાનો ઉપયોગ કરવા તાકીદ

(પ્રતિનિધિ) ખાનપુર, તા.3

મહીસાગર જિલ્લામાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવનાર છે. જે અંતર્ગત જિલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્વારા પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મહીસાગર કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, ભગવાન ગણેશજીની પ્રતિમાની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલીકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો, ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (POP) નો ઉપયોગ કરવો નહીં. ભગવાન ગણેશજીની પ્રતિમાની બનાવટમાં પ્રતિમાઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગનો જ ઉપયોગ કરવો, ઝેરી અને ઉતરતી અને હલકી કક્ષાના રસાયણ કે કેમીકલ યુકત રંગોથી મૂર્તિને કલર કરવો નહી.

કોઈપણ મૂર્તિકારો કે પ્રતિમા બનાવનારા કારીગરો – કલાકારોએ પ્રતિમાની બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા પર, આયોજકોએ બેઠકની ઉંચાઈ સહિત 12 (બાર) ફુટથી વધારે ઉંચાઈની પ્રતિમાની સ્થાપના કરવી નહીં. એટલે કે વિર્સજન – સરઘસમાં સામેલ વાહન સહિત પ્રતિમાની ઉંચાઈ કુલ 15 (પંદર) ફુટથી વધારે રાખવી નહીં. પ્રતિમાની બનાવટમાં બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહી.

આ પ્રતિમાનું વેચાણ થયા બાદ વધેલી તથા ખંડિત પ્રતિમાને બિન વારસી હાલતમાં છોડીને જવુ નહી તે અંગે જિલ્લાના તમામ આયોજકો, નગરપાલિકા, ગ્રામ પંચાયત તથા પોલીસ વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવાની  રહેશે. મૂર્તિકારો જે જગ્યાએ પ્રતિમા બનાવે તે જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહીં. પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા જવા ઉપર, પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામું સમગ્ર મહીસાગર જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ – 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

સફેદ પાવડર ઉડાડવાની મનાઇ (બોક્સ)

ગણેશ ઉત્સવ દરમ્યાન લોકો લાલ, સફેદ, અબીલ, ગુલાલ જેવા પાવડરો ઉડાડતા હોય છે, જેમાં સફેદ પાવડર કે જે આંખોને નુકશાનકારક હોઈ સફેદ પાવડર નહીં વાપરવા અને ઝેરી પાવડરના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્વલનશીલ પદાર્થો ફેંકવા નહી, સ્ફોટક પદાર્થ, અન્ય દારૂગોળો સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. જ્યારે વિસર્જન યાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ ગીત – સંગીત વગાડી તેમજ લોકોને ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારના ચેનચાળા – કીલકારીઓ કરી લોકોને ઉશ્કેરવા પર, વિસર્જન યાત્રા દરમિયાનના સરઘસમાં ડી.જે. કે લાઉડ સ્પીકરથી વગાડમાં આવતા સંગીતનો અવાજ નોઈસ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-2000 તેમજ ગુજરાત સરકારની વખતોવખતની સુચનાથી ઠેરવેલ નિયત મર્યાદા કરતા વધારે રાખવા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top