મહીસાગર કલેક્ટર, મામલતદાર અને કલાર્કની બોગસ સહી ‘73એએ’નું નિયંત્રણ હટાવતો હુકમ કર્યો હતો
બેન્ક એકાઉન્ટમાં 2.60 લાખની રકમ જમા થઇ હતી
લુણાવાડા પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં
(પ્રતિનિધિ) લુણાવાડા તા.12
મહિસાગર જિલ્લામાં ચકચાર જગાવતાં કલેક્ટરના બોગસ ઓર્ડરમાં પોલીસે કોમ્પ્યુટર ઓપરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં સફલતા મળી છે. મહિસાગર જિલ્લામાં આઉટ સોર્સિંગના કોમ્પ્યુટર ઓપરેટરે કલેકટર, મામલતદાર અને કલાર્કની બોગસ સહી કરી ‘73એએ’નું નિયંત્રણ હટાવતો હુકમ કર્યો હતો. આ અંગે લુણાવાડા પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં કોમ્પ્યુટર ઓપરેટરની બેન્ક ડિટેઇલ સહિતની કેટલાક વાંધાજનક બાબતો બહાર આવી છે.
મહીસાગર કલેક્ટર કચેરીના આરટીએસ શાખામાં આઉટ સોર્સિંગથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતાં અતુલ રાજુ ભોઇ (રહે. લુણાવાડા)એ કલેક્ટર, મામલતદાર અને કલાર્કની બનાવટી સહીઓ કરી હુકમ, નોટીસ બજાવી હતી. આ ઉપરાંત બનાવટી સહીવાળો ખોટો હુકમ જાતે બનાવી ઓનલાઇન અપલોડ કર્યો હતો. આ મામલો બહાર આવતા ઇન્ચાર્જ મામલતદારે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અતુલ રાજુ ભોઇ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જોકે, જે તે સમયે કોર્ટે રિમાન્ડ અરજી નામંજુર કરી હતી. આથી, પોલીસે અપીલ કરી હતી.
આ અંગે સરકારી વકીલે રજુઆત કરી હતી કે, કલેક્ટર કચેરીમાં અતુલ ભોઇ ઘણા વર્ષોથી આઉટ સોર્સીંગથી નોકરી કરતાં હતાં. તેઓએ જમીન વિહોણા ખેડૂતોને ફાળવેલી જમીન વેચવા ‘73એએ’ની પરવાનગી આપતો હુકમ પોતે જાતે તૈયાર કરી નોટીસ – હુકમમાં બોગસ સહીઓ કરી હતી. આ ઉપરાંત રજીસ્ટરમાં ઇરાદાપૂર્વક જગ્યા છોડી હતી. તેમાં આ હુકમ અંગેની એન્ટ્રી કરી અને તે વેન્ડર કનુભાઈ પરમારે તેમના માલિક – ખેડૂતોને ‘73એએ’નો હુકમ રદ કરવા રૂ.1.20 લાખ આપ્યાં હતાં. આ ઉપરાંત અતુલના બેન્ક ખાતામાં રૂ.2.60 લાખ જેટલી રકમ ઓગષ્ટ-2024માં જમા થઇ હતી. તે પણ તપાસનો વિષય છે. તેવી જ રીતે હુકમ તૈયાર કર્યો તેમાં જે રાઉન્ડ સીલ વાપર્યો છે તે ઓફિસનો છે કે બનાવટી છે ? તે અંગે તપાસ કરવાની બાકી છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, અતુલ ભોઈએ રૂ.13 લાખની એસયુવી ગાડી નોંધાવી છે, તે છોડાવવા માટે ક્યાંથી રકમ લાવેલો છે ? તેમજ તે આઈ-ફોન વાપરતો હતો. આ કેસમાં બીજા કોઇ સામેલ છે કે કેમ ? તે અંગે તપાસની માગણી કરી હતી. આથી, કોર્ટે અતુલ ભોઇના 13મી સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કરતો હુકમ કર્યો હતો.
લુણાવાડા પોલીસ ક્યા ક્યા મુદ્દે પુછપરછ કરશે ?
– અતુલ ભોઇએ કોના કહેવાથી અને કોની દોરવણીથી કલેક્ટર તેમજ નાયબ મામલતદાર, કલાર્કની ખોટી સહીઓ કરી હતી ?
– અતુલે અલગ અલગ તારીખે નોટીસ કાઢી હતી અને વર્કશીટમાં જે એન્ટ્રીઓ કરી છે તે કોના કહેવાથી એન્ટ્રી કરી છે ?
– અતુલ સાથે બીજા સહઆરોપીઓ છે કે કેમ ? જે સંદર્ભે સઘન પુછપરછ કરવામાં આવશે.
– અતુલે હુકમ ઓનલાઇન અપલોડ કરી અરજી ડિસ્પોઝ કરી હતી. જે ક્યાં સમયે તેમજ કોના કહેવાથી અને કેવી રીતે અપલોડ કરી ?
– અતુલ છેલ્લા દસ વર્ષથી આરટીએસ શાખામાં ફરજ બજાવતો હોય આ સિવાય બીજી અગાઉ કેટલી વખત ખોટી સહી કરી નોટીસ કાઢવામાં આવી છે ?