Charotar

મહીસાગરમાં વધુ મતદાન માટે સસ્તા અનાજના દુકાનદારો આગળ આવ્યાં

મહીસાગર ચૂંટણી અધિકારી દ્વારા વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ એજન્સી સાથે એમઓયુ કરાયાં

મહીસાગર જિલ્લાના મતદારો લોકસભા ચૂંટણીમાં ઉત્સાહ પૂર્વક જોડાય અને મતદાનની ટકાવારી વધે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહા કુમારી દ્વારા મહીસાગર જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓના સંગઠન તથા જિલ્લાની ગેસ એજન્સીઓના સંગઠન સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં સંસ્થાના કર્મચારીઓ તથા ગ્રાહકોનું મતદાર યાદીમાં સો ટકા રજીસ્ટ્રેશન તથા કર્મચારીઓ અને ગ્રાહકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા મતદાર જાગૃતિમાં સહભાગી થવા એમઓયુ કરવામાં આવ્યાં હતાં.

મહીસાગર જિલ્લાની 322 વ્યાજબી ભાવની દુકાનો તથા તેના 1.49 લાખ ગ્રાહકો અને જિલ્લાની 14 ગેસ એજન્સીઓ તથા તેના 1.71 લાખ ગ્રાહકોમાં મતદાર જાગૃતિ દ્વારા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મહીસાગર લુણાવાડા દવારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અવસરે જિલ્લા કલેકટર નેહાકુમારીએ આ સંગઠનોને લોકસભા ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેની જનજાગૃતિની પહેલને બિરદાવી અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ગેસ એજન્સી અને વાજબી ભાવની દુકાનો સાથે નાગરિકો જોડાયેલા હોય છે. જેથી તેમના દ્વારા મતદારોમાં  વ્યાપક પ્રમાણમાં જાગૃતિ આવશે અને લોકશાહીના પર્વમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. તેમણે જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના આ પર્વને ગર્વભેર ઉજવવા અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એસ. મનાત, જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ઉપસ્થિતિમાં આ એમઓયુ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top