સુરત અને વડોદરાના બિલ્ડરોના લોકો સાથે આવેલી મહિલાએ મેયર હોવાનો દાવો કર્યો, ખોટી ઓળખ અંગે મેયરે કાર્યવાહીની કરી માગ
વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ નજીક આવેલી વિવાદિત જમીન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. બે દિવસ અગાઉ આ જમીન પર લગાવેલા કોર્ટ કેસ સંબંધિત બોર્ડોને અજાણ્યા લોકોએ ઉખાડી નાખ્યા હતા. ઘટનાના સમયે હાજર રહેલી એક મહિલાએ પોતાની ઓળખ વડોદરાની મેયર તરીકે આપી હતી, જેને લઇને વિવાદ ઊભો થયો છે. જમીન માલિકોના કહેવા અનુસાર, સુરત અને વડોદરાથી કેટલાક બિલ્ડરોના માણસો તેમની જમીન પર આવ્યા હતા અને તેમની સાથે આવેલા એક મહિલા મેયર હોવાનું કહી રહી હતી. તેનો આક્ષેપ છે કે તે મહિલા સાથે આવેલા લોકોને બોર્ડ ઉખાડવા જણાવ્યું અને તેમના કોર્ટ કેસની જાણકારી દર્શાવતા બોર્ડ ઉખેલીને ફેંકી દેવામાં આવ્યા. જેમજ આ ઘટનાની જાણકારી વાસ્તવિક મેયરને મળતાં, તેમણે તાત્કાલિક પોલીસ કમિશનરને સંપર્ક કર્યો અને જણાવ્યું કે તેઓ ઘટના સ્થળે ગયા જ નથી. મેયરે વધુમાં જણાવ્યું કે કોઈ મહિલાએ તેમનું નામ ખોટી રીતે વાપરી ખોટી ઓળખ આપી છે, જેના કારણે જમીન વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મેયરે મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને ઘટના પાછળ રહેલા તત્વોની તપાસ કરવા પોલીસ કમિશનરને લેખિતમાં માંગ કરી છે. સમગ્ર મામલે હવે અધિકૃત તપાસ શરૂ થઇ ચુકી છે.