Vadodara

મહાનગર નાળાની ઊંચાઈ પુશિંગ પાઈપથી ઘટાડતાં પાણીના નિકાલમાં સુધારો થયો

રૂપારેલ કાંસની સરખામણીએ મહાનગર કલ્વર્ટની હાઇટ લગભગ 1 મીટર જેટલી ઊંચી

100 મીટર લાંબી પુશિંગ પાઈપ દ્વારા કલ્વર્ટનું લેવલ આશરે 1.5 થી 2 ફૂટ સુધી ઓછું કરાયું

વડોદરા શહેરમાં પૂર્વ ઝોનના કેટલાક વિસ્તારોમાં વરસાદ સમયે લાંબા સમયથી પાણીના નિકાલ અંગે સમસ્યા ઊભી થતી હતી. કારણ એ હતું કે, રૂપારેલ કાંસની સરખામણીએ મહાનગર કલ્વર્ટની હાઇટ લગભગ 1 મીટર જેટલી ઊંચી હતી. જેના કારણે ભારે વરસાદ દરમિયાન આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જતું અને સ્થાનિક લોકોને મુશ્કેલી અનુભવવી પડતી હતી. આ મુદ્દે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ આ વર્ષે ચોમાસા પહેલા સમસ્યાનો ઉકેલ લાવવા આયોજન કર્યું હતું. પાલિકાએ નક્કી કર્યું કે કલ્વર્ટની હાઇટ ઓછું કરીને પાણીનું વહન સરળ બનાવવું જરૂરી છે. ટેક્નિકલ રીતે સીધું કાપકૂપ કરવાને બદલે મેન્યુઅલ પદ્ધતિથી પુશિંગ પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રક્રિયામાં 100 મીટર લાંબી પુશિંગ પાઈપ દ્વારા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. જેમાં કલ્વર્ટનું લેવલ આશરે 1.5 થી 2 ફૂટ સુધી ઓછું કરાયું. પાલિકા અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કામગીરી સમયસર પૂર્ણ થતાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ઝડપથી થવા લાગ્યો. અગાઉ જ્યાં પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતું હતું, ત્યાં આ વખતે તેનો પ્રવાહ સરળ રીતે આગળ વધ્યો હતો.

કોર્પોરેશનનું માનવું છે કે આ કામગીરીથી વિસ્તારના નાગરિકોને મોટી રાહત મળી છે. ભવિષ્યમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ન સર્જાય તે માટે આવા સ્થળોએ જરૂરી કામગીરી ચાલુ રાખવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, પાણીના પ્રવાહમાં અવરોધ ન ઉભો થાય તે માટે સમયાંતરે તપાસ અને જાળવણીનું આયોજન પણ કરવામાં આવશે. આ કાર્ય વડોદરા મહાનગરપાલિકા માટે સફળતા રૂપ સાબિત થયું છે. પાલિકાના દાવા મુજબ પહેલા પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉભી થતી હતી તે આ વર્ષે જોવા મળી નથી. પાલિકા દ્વારા કરાયેલી કાર્યવાહીથી પાણીના નિકાલનો પ્રશ્ન મહદઅંશે હળવો થયો છે.

Most Popular

To Top