સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું અનોખો દ્રશ્ય
કાલોલ |
કાલોલ તાલુકાના મલાવ કૃપાલુ મંદિર ખાતે અમેરિકા, યુ.કે. અને જાપાનમાંથી પધારેલા આશરે ૫૦ જેટલા વિદેશી મહેમાનોએ આજે કાલોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ભારતીય પોલીસ પ્રણાલી અને તેની કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી. છેલ્લા સાત દિવસથી કૃપાલુ સમાધી મંદિરમાં યોગાભ્યાસ કરતા આ મહેમાનો ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલી તેમજ ખાણી-પીણીથી ખૂબ પ્રભાવિત થયા હતા.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારતીય પોલીસની કામગીરી, શિસ્ત અને ટેકનોલોજી વિશે સમજ મેળવવાનો હતો. કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સિનિયર પી.આઈ. આર.ડી. ભરવાડ તથા પોલીસ સ્ટાફ દ્વારા તમામ વિદેશી મહેમાનોનું ફૂલગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પી.આઈ. ભરવાડે મહેમાનોને શાબ્દિક સ્વાગત સાથે પોલીસ સ્ટેશનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે પી.એસ.આઈ. એલ.એ. પરમાર, પી.એસ.આઈ. પી.કે. ક્રિશ્ચિયન સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

પોલીસ કાર્યપદ્ધતિ અને ટેકનોલોજીથી મહેમાનો પ્રભાવિત
વિદેશી મહેમાનોને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો જેમ કે રાઇટર ઓફિસ, લોક-અપ અને સર્વેલન્સ રૂમની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમ જોઈ મહેમાનો ખાસ પ્રભાવિત થયા હતા.
પ્રશ્નોત્તરી અને આત્મીય સંવાદ
મુલાકાત દરમિયાન વિદેશી મહેમાનોએ પોલીસ અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ભારતની કાયદો-વ્યવસ્થા, પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. મુલાકાતના અંતે મહેમાનો અને સ્થાનિક લોકો વચ્ચે સેલ્ફીનો આનંદ પણ જોવા મળ્યો હતો.
મહેમાનોનો પ્રતિભાવ
મુલાકાત બાદ વિદેશી મહેમાનોએ કાલોલ પોલીસની શિસ્ત, વ્યવહાર અને કાર્યશૈલીના વખાણ કર્યા હતા.
એક વિદેશી મહેમાને જણાવ્યું હતું કે,
“ભારતીય પોલીસ સ્ટેશનની મુલાકાત લેવો એક નવો અને શીખવા જેવો અનુભવ રહ્યો. અહીંનો મૈત્રીપૂર્ણ વ્યવહાર ખરેખર પ્રશંસનીય છે.”
મલાવ કૃપાલુ આશ્રમ દ્વારા આયોજિત આ પ્રવાસથી વિદેશી નાગરિકોમાં ભારતીય વહીવટીતંત્ર અને પોલીસ પ્રત્યે હકારાત્મક છબી ઊભી થઈ હોવાનું સ્પષ્ટ બન્યું છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા