બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારી સાથે ₹25.48 લાખની સાયબર ઠગાઈ
(પ્રતિનિધિ), વડોદરા | તા. 7
વડોદરા શહેરમાં સાયબર ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે. તાજા બનાવમાં દિવાળીપુરા વિસ્તારમાં રહેતા બેંક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત સિનિયર કર્મચારી સાથે ભેજાબાજોએ રૂપિયા 25.48 લાખની મોટી ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. “લાઈફ ટાઈમ ક્રેડિટ કાર્ડ ફ્રી” આપવાની લાલચ આપીને વૃદ્ધને ખોટી લિંક પર ક્લિક કરાવી ખાતું ખાલી કરાયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, દિવાળીપુરાની નર્મદા નગર સોસાયટીમાં રહેતા સતિષ અમરતલાલ શાહના મોબાઇલ પર (ઉ.વ. 84) ગત 11 ઓગસ્ટના રોજ એક અજાણ્યા નંબર પરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં બેંકના સિનિયર ઓફિસરોને ₹5 લાખ લિમિટવાળું લાઈફ ટાઈમ ક્રેડિટ કાર્ડ મફતમાં આપવાની સ્કીમ દર્શાવી “YES” લખીને જવાબ આપવા જણાવ્યું હતું. લાલચમાં આવી વૃદ્ધે YES રિપ્લાય કર્યો હતો.
બાદમાં 13 ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ક્રેડિટ કાર્ડ પ્રોસેસ માટે એક લિંક મોકલવામાં આવી. આ લિંક “BOI CREDIT VERIFICATION.apk” નામની હતી. લિંક ઓપન કરી તેમાં ડેબિટ કાર્ડની વિગતો અને મોબાઈલ એપ્લિકેશન પાસવર્ડ ભરતા જ થોડીવારમાં OTP અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના મેસેજ આવવા લાગ્યા. ભેજાબાજોએ અલગ–અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી રૂપિયા 25.48 લાખ ઉપાડી લીધા હતા.
ઠગાઈની જાણ થતાં વૃદ્ધે તાત્કાલિક બેંકના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી એટીએમ કાર્ડ બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ ખાતાની તપાસ કરતા મોટી રકમ ટ્રાન્સફર થઈ હોવાનું ખુલ્યું. અંતે તેમણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે. ચેતવણી:
બેંક ક્યારેય ફોન, મેસેજ કે APK ફાઈલ દ્વારા કાર્ડની વિગતો, OTP કે પાસવર્ડ માગતી નથી. “ફ્રી ક્રેડિટ કાર્ડ” કે “લાઈફ ટાઈમ ઓફર”ના ફોન આવે તો તરત જ સાવચેત થવું જરૂરી છે.