મોડી રાત સુધી ગ્રાહકોની ભીડને કારણે દુકાન બહાર આડેધડ પાર્કિંગ થી અન્ય વાહનદારીઓને હાલાકી
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
શહેરના જૂના પાદરા રોડ ખાતે આવેલા મનિષા ચોકડી નજીક મોડી રાત સુધી પોતાના આર્થિક લાભ માટે મેકડોનાલ્ડ નામની શોપ ચાલુ રાખનાર સંચાલક સામે અકોટા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ, દુકાનો ચાલતી હોય છે જ્યાં રાત્રે અસામાજિક તત્વો તથા અન્ય લોકોનો જમાવડો જોવા મળતો હોય છે.શહેરના એવા ઘણાં વિસ્તારો છે જ્યાં મોડી રાત સુધી નાસ્તા, ચ્હા વિગેરેની લારીઓ,હોટેલ,દુકાનો ખુલ્લી રહેતી હોય છે જ્યાં અગાઉ મારામારી જેવા બનાવો તથા કોઇપણ ગુનાઇત પ્રવૃતિઓ માટે આયોજન રાત્રે આવી લારીઓ, દુકાનો પર જ થતું હોવાની વિગતો બહાર આવી હતી તેમ છતાં આજદિન સુધી પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા રાત્રે ચાલતી ગેરકાયદેસર લારીઓ,હોટલો પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આવા લારીઓ,દુકાનોવાળાઓ મનમરજી ચલાવી રહ્યા છે અને નિયમોને નેવે મૂકી દીધા હોય તેમ જણાય છે.ત્યારે શહેરના અકોટા પોલીસ સ્ટેશનના કર્મીઓની પોલીસ વાન સાથે પેટ્રોલિંગમા હતા તે દરમિયાન શહેરના જૂના પાદરા રોડ ખાતે આવેલા મનિષા ચોકડી પાસે મેકડોનાલ્ડ શોપ પાસે લોકોને જોખમાય તે રીતે આડેધડ વાહનો પાર્ક કરી ગ્રાહકો મેકડોનાલ્ડ શોપ માં બેઠેલા હતા જેથી મોડી રાત સુધી પોતાના આર્થિક લાભ માટે મોડે સુધી મેકડોનાલ્ડ શોપ ચલાવતા સંચાલક કીરણકુમાર જસવંતભાઇ સોલંકી હોવાનું તથા તે ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના બોજદરા ગામના વતની હોવાનું જણાવ્યું હતું તેઓ પોતાના આર્થિક ફાયદા માટે મોડી રાત સુધી મેકડોનાલ્ડ શોપ ચલાવી અન્ય લોકોને જોખમાય તે રીતે વાહનો પાર્ક કરાવી ધંધો કરતા હોવા સામે અકોટા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.