વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 9.89 લાખની ચૂકવણી પર સવાલ, ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી
કાલોલ:
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં મનરેગા યોજનાના અમલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કામો થયા વિના જ મજૂરી ચૂકવણી અને સામગ્રીના બિલોને મંજૂરી આપવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જાહેર રજાના દિવસે ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા સ્થળ પર ગુપ્ત રીતે માપતાલ કરવામાં આવી હોવાના દૃશ્યો CCTVમાં કેદ થયા હોવાનું જણાવાયું છે, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
જાહેર રજાના દિવસે માપતાલથી ઉઠ્યા સવાલ
માહિતી મુજબ 31 માર્ચ, 2026ના જાહેર રજાના દિવસે મોટી મસ્જિદ પાછળના વાલ્મિકીવાસ ટેકરી વિસ્તારમાં તેમજ ચલાલી રોડથી ઈસ્માઈલ પાડા તરફ જતા માર્ગ સહિતના વિસ્તારોમાં મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
રજાના દિવસે માપતાલ કરવા પાછળનું કારણ શું હતું તે અંગે સ્થાનિક સ્તરે સવાલો ઉઠી રહ્યા છે. આ કાર્યવાહી સામગ્રીના બિલોને મંજૂર કરાવવા માટે કરવામાં આવી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.
25 કામોમાંથી અનેક અધૂરા હોવાનો આક્ષેપ, તપાસની માંગ
માજી તાલુકા પંચાયત સભ્ય સલીમભાઈ કઠિયાના જણાવ્યા મુજબ બે નાળા, બે સી.સી. રોડ, ત્રણ પેવર બ્લોક તથા 18 માટી-મેટલના કામ સહિત કુલ 25 કામોમાંથી ઘણા કામો સ્થળ પર થયેલા નથી અથવા અધૂરા છે, છતાં અંદાજે રૂ. 9,89,081ની મજૂરી ચૂકવણી થઈ ચૂકી છે.
ઓનલાઈન ડેટા મુજબ સામગ્રીના બિલો હજુ દાખલ ન હોવા છતાં તેમને મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ મામલે ઉચ્ચકક્ષાએ તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી તથા ફોજદારી ગુનો નોંધવાની માંગ સાથે સંબંધિત કચેરીઓમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. સ્થાનિક સ્તરે મનરેગા યોજનામાં સંભવિત કૌભાંડ અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા