મંત્રી ભલે અંદરખાને નારાજ હશે, પરંતુ દાહોદ D.R.D.A.ના સત્તાધીશો આ તપાસ હાથ ધરે એ જરૂરી છે
કૌભાંડકારીઓ ગરીબોના બેંક ખાતાઓ ટકાવારીથી ભાડે અગર તો બારોબાર બેંક ખાતાઓ ખોલીને મજૂરીના નાણાની પણ રોકડી કરતા હોવાની ચર્ચા
દાહોદ:
ગુજરાત સરકારના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના મત વિસ્તાર દેવગઢ બારીઆ બેઠકના માત્ર ૩ ગામોમાં ગરીબોને રોજગારી આપનારા સરકારની મહત્વાકાંક્ષી યોજના મનરેગાના અધૂરા કામોને પૂર્ણ બતાવીને ટેન્ડર પ્રક્રિયામાંથી પસાર થયા વગરની અંદાજે ૩૫ જેટલી ઈજારદાર એજન્સીઓને ૭૦ કરોડ રૂપિયાની નાણાંકીય ચૂકવણી કરવામાં આવી હોવાના સંદર્ભમાં દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ.પટેલ જાતે ફરિયાદી બન્યા છે. આ ઈજારદાર એજન્સીઓમાં મંત્રી પુત્રો કિરણ અને બળવંતની બન્ને એજન્સીઓ ને સામેલ કરવામાં આવતા મંત્રી પુત્રોએ ઘર આંગણે પોલીસ તંત્રની તપાસ ટીમો આવે તો આ ભયને લઈને દાહોદ સેશન્સ અદાલત સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ સમગ્ર કરોડો રૂપિયાના બહાર આવેલા મનરેગા કોભાંડના દસ્તાવેજી પુરાવાઓ પોલીસ તંત્રને સુપ્રત કરાયા છે. એમા વહીવટી તંત્રના કર્મચારીઓથી લઈને ઈજારદાર એજન્સીઓના નામ સરનામાઓ, બેંક ખાતાઓની વિગતો સાથે સામેલ છે. સરકારના મનરેગા યોજનાના કામો સંદર્ભમાં સૂચવવામાં આવેલી ગાઈડ લાઈન પ્રમાણે મનરેગા યોજનાના કામોમાં મજૂરીના વેતનના નાણા ગરીબ જોબ કાર્ડ ધારકોના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતા હોય છે. બાકીના નાણા મટીરિયલ સપ્લાય કરનાર ઈજારદાર એજન્સીઓના બિલોના આધારે બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતા હોય છે. દે. બારીઆ બેઠકના માત્ર ૩ ગામો કુવા, રેઢાણા અને સીમામોઈ ગામોમાં આ મનરેગા યોજના અધૂરા કામોને પૂર્ણ બતાવીને મટીરીયલ સપ્લાયના બિલો મૂકીને ૩૫ ઈજારદાર એજન્સીઓને ૭૦ કરોડ રૂપિયાના નાણાંકીય ચુકવણાઓ કરવાના બહાર આવેલા કૌભાંડ બાદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સત્તાધીશો દ્વારા મનરેગા યોજના ના કામોમાં જે ગરીબ જોબકાર્ડ ધારકોના બેક ખાતાઓ મા મજૂરી ના વેતન ના નાણા ચૂકવવામાં આવ્યા છે તે ગરીબ જોબકાર્ડધારકોના ઘરોમાં જઈને જરૂરી તપાસો સાથે સત્ય શોધવાના પ્રયાસો કરે તો વધુ સ્ફોટક રહસ્યો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
એમાં ચર્ચાઓ એવી છે કે મનરેગા યોજનાના કામોમા ગરીબ જોબકાર્ડ ધારકો બેંક ખાતાઓમાં ટકાવારીના આધારે ભાડેથી લેવામાં આવતા હોય છે. તો ક્યાંક ગરીબ લાભાર્થીઓ ના દસ્તાવેજી પુરાવાઓ યેનકેન પ્રકારે હાંસલ કરી ને બારોબાર બેંકમાં ખાતાઓ ખોલાવ્યા બાદ ગરીબોના બેંક ખાતાઓમાં જમા વેતનના નાણા ને ગોઠવણો પ્રમાણે ઉપાડી લેવામાં આવતા હોવાનું કહેવાય છે. ત્યારે દેવગઢ બારીઆ બેઠક ના ગામોમાં મનરેગા યોજના ના કામોમાં ઓન લાઈન વહીવટોમાં જે ગરીબ જોબકાર્ડ ધારકોને કરોડો રૂપિયાના વેતન ના નાણા ચૂકવવામાં આવ્યા છે. આ ગરીબોના ઘરોમાં જઈ ને વહીવટી તંત્રની તપાસ ટીમો સત્ય આધારિત તપાસો હાથ ધરે તો મનરેગા કૌભાંડમાં મટીરીયલ્સ સપ્લાયના બિલો બાદ ગરીબોના વેતનના નાણાં પણ ચાઉ કરી જવાના વધુ સ્ફોટક પ્રકરણ નો ઉમેરો થવા પામે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.