મનરેગા શાખાના 4 કર્મચારીઓની ધરપકડ કરાતા અન્ય કર્મચારીઓ ભૂગર્ભમા ઉતર્યા, કચેરીને ખંભાતી તાળા, TDO એ આપ્યો ગોળ ગોળ જવાબ
દાહોદ: દેવગઢ બારીઆ તાલુકામાં મનરેગા યોજનામાં 71 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પટેલે ધાનપુર અને દેવગઢ બારીયાની 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલી 28 એજન્સીઓના પ્રોપાઈટરોના નામો બાબતે તાલુકા વિકાસ અધિકારી એમ.એમ.ભુરીયાએ જણાવ્યુ કે, કૌભાંડમાં સંડોવાયેલી 28 એજન્સીઓના નામો શોધવાની કામગીરી ચાલુ છે. મનરેગા શાખાના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા 4 કર્મચારીઓ હાલ જેલમા છે, અને અન્ય કર્મચારીઓ કચેરીમા હાજર થતા નથી. ટેકનિકલ માહિતી હોવાથી એજન્સીઓના પ્રોપ્રાઈટરોના નામો મેળવ્યા બાદ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

મનરેગા કૌભાંડમા દેવગઢ બારીયા તાલુકા પંચાયતની મનરેગા શાખાના બે એકાઉન્ટન્ટ અને બે ગ્રામ રોજગાર સેવક હાલ જેલમાં છે. અન્ય કર્મચારીઓના નામ પણ કૌભાંડમાં સામેલ થવાની શંકાને કારણે અન્ય કર્મચારીઓ પણ ફરજ પર આવતા નથી. જેના કારણે મનરેગા શાખાની કચેરી બંધ છે. રોજગારી મેળવવા આવતા ગરીબ લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને મનરેગા યોજનાના અમલમાં ગંભીર ખામીઓ સામે આવી છે.
મનરેગા કૌભાંડની ફરીયાદ નોંધાવનાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા ફરિયાદમાં એજન્સીઓના નામો જાહેર કરવામાં આવ્યા છે. જોકે, તેના પ્રોપ્રાઈટરોના નામોની વિગતો વહીવટી તંત્ર અને પોલીસે હજુ સુધી બહાર પાડી નથી. આ બાબતે વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.