મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણની પોલીસ દ્વારા અન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો
દાહોદ તા.30
દાહોદમાં મનરેગા પ્રકરણમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન અરજી દાહોદની કોર્ટ દ્વારા માન્ય રાખ્યા બાદ મંત્રીના બીજા પુત્ર પર એટલે કે કિરણ ખાબડ પર વધુ એક સકંજો કસાયો છે. જેમાં કિરણ ખાબડ વિરુદ્ધ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ગુનો નોંધાયો છે. જે સબબ દાહોદ એલસીબી પોલીસ કિરણ ખાબડની જેલની બહાર આવતા જ ધરપકડ કરી લઈ પોલીસ મથકે લઈ જવા રવાના થયા હતા.

દાહોદનો બહુચર્ચિ મનરેગા કૌભાંડ પ્રકરણમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર પર સકંજો જો વધુને વધુ કસાતો હોય તેમ લાગી રહ્યું છે. ગતરોજ મંત્રી પુત્રોની જામીન પર દાહોદ પોલીસે એક દિવસનો સ્ટે મેળવ્યો હતો અને આજરોજ દાહોદની કોર્ટ દ્વારા બંને મંત્રી પુત્રોના જામીન અરજીને માન્ય રાખી હતી. ત્યારે એક ક્ષણે એવું લાગતું હતું કે મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોને જામીન મળી ગયા છે અને તેઓ જેલ મુક્ત થઈ ગયા છે. પરંતુ દાહોદ પોલીસ મનરેગા કૌભાંડમાં કોઈ પ્રકારની કોઈ પ્રકારની કસર છોડવા માંગતી નથી તેમ લાગી રહ્યું છે. આ મનરેગા કૌભાંડ પ્રકરણમાં કોઈપણ આરોપીઓને બક્ષવામાં નહીં આવે તેવા સખ્ત સંદેશાઓ વચ્ચે આજરોજ મંત્રીના બંને પુત્રોના કોર્ટમાંથી જામીન થયા બાદ એકાએક દાહોદ પોલીસે કાર્યવાહીનો ધમધમા આરંભ કર્યો હતો અને જાણવા મળ્યા અનુસાર, આ મામલે મંત્રી બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ મનરેગા કૌભાંડમાં ડીઆરડીએ નિયામક દ્વારા દાહોદ ડિવિઝન પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં કિરણ ખાબડ વિરુદ્ધ બીજો ગુનો નોંધાવા પામ્યો છે.

ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા ના કામો ન થયા હોવા છતાં રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે જ દાહોદ પોલીસ સબજેલ ખાતે પહોંચી ગઈ હતી અને ત્યાંથી બારોબાર જ કિરણ ખાબડની જેલની બહારથી જ અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી હતી. ત્યારે આ સમગ્ર મનરેગા કૌભાંડ પ્રકરણમાં મંત્રી બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડની પુનઃધરપકડને લઈ રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.