વડોદરા શહેરના નાગરિકોને હવે પાણીના કનેક્શન ઉપર ડાયરેક્ટ મોટર લગાવવી ભારે પડી શકે છે. વડોદરા મહાનગર પાલિકાએ જાહેરનામું જારી કરીને જણાવ્યું છે કે શહેરના ચારેય ઝોન – ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક નાગરિકો પાણી વિતરણના સમયે સીધા કનેક્શન પર મોટર લગાવીને પાણી ખેંચે છે. આ એક ગંભીર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં પાણીનો દબાણ ઘટી જાય છે (લો પ્રેશર) તથા પાણી પ્રદૂષિત થવાના ઘટના બની શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોટર સ્ક્વોડ કાર્યરત કરવામાં આવ્યું છે. આ વિશેષ ટીમ પાણી વિતરણના સમયે જાતે ફીલ્ડ પર જઈ તપાસ કરશે અને જે નાગરિકો સીધા મોટર લગાવતા પકડાશે, તેમના સામે કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દ્વારા ખાસ ઉલ્લેખ કરાયો છે કે નાગરિકોએ નિયમોના પાલન સાથે સહકાર આપવો જરૂરી છે, જેથી પાણીની સમાન અને શુદ્ધ વિતરણ વ્યવસ્થા જળવાઈ શકે. પાલિકા દ્વારા જાહેર જનતાને વિનંતી કરાઈ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહે અને અન્ય નાગરિકોને પણ જાગૃત કરે.