હવામાન વિભાગ દ્વારા લોકોને લૂ અને ગરમીથી બચવા માટે ચેતવણી
વડોદરા શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સે., લઘુત્તમ તાપમાન 21.8ડિગ્રી સે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 14% નોંધાયું
મધ્ય ગુજરાત સહિત ગુજરાતના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં વધારો જોવા મળી શકશે.હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ગરમીને કારણે ગરમીનો પારો 40ડિગ્રી કે તેનાથી પાર રહેવાની આગાહી વ્યક્ત કરી છે સાથે જ લોકોને લૂ થી બચવા માટે પણ ચેતવણી જાહેર કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40ડિગ્રી અને તેનાથી પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે.આગામી પાંચ દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ લૂ ચાલવાની પણ સંભાવના સાથે લોકોને લૂ થી બચવાની સલાહ આપી છે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 2 થી 3ડિગ્રી સેલ્સિયસ સુધી વધશે. વડોદરા શહેર જિલ્લામાં સોમવારે લોકોને બપોરે જાણે તાપમાં શેકાતા હોય તેવો અનુભવ થયો હતો.સોમવારે વડોદરા શહેર જિલ્લાનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેમાં 4ડિગ્રી સેલ્સિયસ નો વધારો જોવા મળ્યો હતો, લઘુત્તમ તાપમાન 21.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જેમાં 3ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળ્યો હતો જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 14% જેટલું નોંધાયું હતું.
શહેરમા રવિવારે તથા સોમવારે ગરમીનો પારો ઉંચકાતા બપોરે લોકોએ કામ વિના બહાર નિકળવાનું ટાળ્યું હતું આગામી પાંચ દિવસ સુધી આકરી ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેને લઇને લોકોએ હવે ભીડભાડમા જવાનું,બહાર જરુરી ન હોય તો મુસાફરી કરવાનું ટાળવાનું નક્કી કર્યું છે.બીજી તરફ દિવસે તો ઠીક પરંતુ રાત્રિ દરમિયાન પણ તાપમાનમાં 3ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થતાં લોકો ઉકળાટ અને બેચેની અનુભવી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદમાં તીવ્ર ગરમી અને હીટવેવની સંભનાને પગલે યલો એલર્ટ આપ્યું છે તે જ રીતે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી સહિત અન્ય વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કર્યુ છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર, રાજકોટ સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર,બોટાદ અને ભાવનગર સહિત મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40ડિગ્રી સેલ્સિયસ કે પછી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા વ્યક્ત કરી છે. વડોદરા શહેરમાં ઠેરઠેર ઠંડા પીણાના સ્ટોલ,શેરડીના રસઘર લાગી ગયા છે. મૂંગા પશુ પક્ષીઓ માટે પણ કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા પીવાના પાણીના કુંડાઓ,બાઉલ આપવામાં આવી રહ્યાં છે.
સામાન્ય રીતે માર્ચના અંતે ગરમીનો પારો 40ડિગ્રી સેલ્સિયસ ને પાર જોવા મળતો હતો પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં જ ગરમીનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો અને માર્ચની શરુઆતના પખવાડિયામાં જ ગરમીનો પારો 40ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે આગામી માર્ચના અંત થી એપ્રિલ અને મે મહિનામાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળશે જેની પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ તથા વધતા જતાં વાહનોના પ્રદૂષણ જવાબદાર છે.વડોદરા શહેરમાં લોકો છત્રીનો, ટોપી, ચશ્મા, હાથમોજાનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્રો પર લાવવા લઈ જવા ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ગરમીમાં શરીરમાં ડિહાઇડ્રેશન થી બચવા વધુ પાણી પીવા માટે તબીબોએ સલાહ આપી છે. વધતા ગરમીના પ્રમાણ વચ્ચે આગામી દિવસોમાં હોળી ધૂળેટી તથા રમજાન પર્વ પણ છે ત્યારે લોકોને બપોરે તાપથી બચવા માટે કેમિકલ યુક્ત રંગોથી દૂર રહેવા તબીબોએ સલાહ આપી છે.
