જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ધારાસભ્યો–સાંસદો અને આગેવાનોની હાજરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કાર્યકર્તાઓને જીત માટે સક્રિય બનવા આહવાન
વડોદરા, તા. ૨૮
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં મધ્ય ગુજરાત પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ સંગઠન બેઠક યોજાઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે સંગઠનને વધુ મજબૂત બનાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠન મહામંત્રીઓ તથા વરિષ્ઠ આગેવાનો દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને આગામી ચૂંટણીઓ માટેની રણનીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાતના ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ વિસ્તારોના ધારાસભ્યો, સાંસદો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર દાહોદના સાંસદ તથા પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય જસવંતસિંહ ભાભોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં યોજાયેલી આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠક દરમિયાન સંગઠનને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવવા માટે કાર્યકર્તાઓને જોશ અને ઉત્સાહ સાથે કાર્ય કરવા આહવાન કરવામાં આવ્યું હતું.