પદમલાના બ્રેઈનડેડ દર્દીના લીવર ,કિડની અને આંખોનું દાન
એક દર્દીના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવંતદાન મળશે

( પ્રતિનિધી )વડોદરા,તા.7
વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પદમલાના વણકરવાસના 56 વર્ષીય દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને બ્રેઈન ડેડ જાહેર કરાતા એસએસજીની તબીબોની ટીમ દ્વારા પરિવારને અંગદાન અંગેની સમજ આપવામાં આવી હતી. જે બાદ પરિવારજનોની સંમતિથી અંગદાન કરવામાં આવ્યું હતું. બ્રેઈન ડેડ દર્દીના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવંતદાન મળશે.


વડોદરાના પદમલા ગામ ખાતે આવેલા વણકરવાસના 56 વર્ષીય હિતેન્દ્રભાઈ મણીલાલ પરમારને તારીખ 3 ના રોજ એસ.એસ.જી હોસ્પિટલમાં એચઓ બદલાયેલ સેન્સોરિયમ સાથે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને મેડિસિન યુનિટ ઈએફમાં દાખલ કરાયા હતા. દર્દીનો ઈન્ટર પેરેનકાઇમલ હેમરેજનો કેસ હતો. બાદમાં દર્દીની તબિયત વધુ બગડતા તેઓને એમાઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં દર્દી હિતેન્દ્રભાઈ બ્રેઇન ડેડ હોવાનું જાણવા મળતા તેમના સગા સંબંધીઓને અંગદાન અંગે સલાહ આપવામાં આવી હતી. ત્યારે, દર્દીના સંબંધીઓએ અંગદાન માટે સકારાત્મક સંમતિ આપી હતી. જેને લઈને એસએસજી હોસ્પિટલની સંકલન અંગદાનની ટીમ દ્વારા આજે દર્દીના લીવર, બંને કિડની અને બંને કોર્નિયા લેવામાં આવ્યા હતા અંગદાનની પ્રક્રિયામાં મેડિકલ ટીમ ડીઆર મેહુલસીર, સિનિયર ડો. હોલી, ડો. યસ , ડો.ભરત, એનેસ્થેસિયા ટીમ ડો. દર્શના, એસ.આર. ડો.પાર્થ, મેડિકલ ઓફિસર ડો.નીલુ અને એમઆઈસીયુ નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે દર્દીના બહેન ઇન્દુબેન ડાભી અને હંસાબેન કટારીયાનો જેમણે આ અંગદાન અંગે બહાદુરીભર્યો નિર્ણય લીધો તે બદલ અને કાર્યવાહી દરમિયાન સકારાત્મક રીતે ધીરજ રાખી તે માટે એસએસજીના તબીબો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરાયો હતો. દર્દીના સંબંધી હર્ષદભાઈ પરમાર એ જણાવ્યું હતું કે, અમારે ત્યાં જૈન મંદિર આવેલું છે. એમાં 25 વર્ષથી હિતેન્દ્રભાઈ સેવાનું કામ કરતા હતા. એમને બ્લડ પ્રેશરનો પણ પ્રોબ્લેમ હતો. એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા, પછી એમને બ્રેઈનડેડ જાહેર કર્યા અને ડોક્ટરોએ સલાહ આપી ઓર્ગન ડોનેટ કરવા માટે એટલે પરિવાર સંમત થયા બાદ લીવર કિડની અને આંખોને ડોનેટ કર્યા છે. એસએસજીના ડો.હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, અંગદાનની પ્રોસેસ કરવામાં આવી હતી. અમારી હોસ્પિટલમાં અંગદાન માટે વારંવાર અમે પ્રોત્સાહન આપતા હોઈએ છીએ. જે આની માટે એલિજેબલ પેશન્ટ હોય છે, તેમના સગાઓને અમે અંગદાન માટેની સમજ આપી કાઉન્સેલિંગ કરી એમને અંગદાન માટે તૈયાર કરતા હોઈએ છીએ. આ માટે અમારી અંગદાન માટે એક સમિતિ રચવામાં આવેલી છે. જે આ કાર્ય સંભાળે છે. આ અમારી હોસ્પિટલનું સાતમુ અંગદાન થયું છે. અંગદાન એ મહાદાન છે અને એક વ્યક્તિના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવી જિંદગી મળી શકે છે, તો અંગદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાય એ અમારો સંદેશ છે. પેશન્ટ હિતેન્દ્રભાઈ હતા તેમના લીવર બે કિડની અને બે આંખ એમ પાંચ અંગો લીધા છે. જે અમારી ઓર્ગન ડોનેશનની જે રેસિપિયન્ટ ઝાયડશ હોસ્પિટલે ઓર્ગનને રિસીવ કર્યા છે અને ત્યાંથી જે પણ એના લાયક પેશન્ટ હશે એમને ટ્રાન્સફર કરવામાં આવશે.