મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી કોઇને કોઇ કારણોસર વિવાદમાં જોવા મળે છે. આ હોસ્પિટલમાં ગત મહિને એમબીબીએસ ના પ્રથમ વર્ષની વાર્ષિક પરીક્ષા દરમિયાન સર્વન્ટ દ્વારા પૈસા લઈને વિધ્યાર્થીઓને ગેરરીતી કરવાનો મામલો સામે આવ્યો હતો જેની તપાસ હાલ ચાલી રહી છે. અગાઉ સિક્યુરિટી અને પોલીસની હાજરીમાં આ હોસ્પિટલમાં પૂર્વ નગરસેવક ના પુત્રની માથાભારે તત્વો દ્વારા કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી . હોસ્પિટલમાં દર્દીઓના પર્સ, સામાનની ચોરી, મારામારી તથા મહિલા સુરક્ષા કર્મીની છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો તદ્પરાંત એસ.એસ.જી. હોસ્પિટલમાં આવેલ બરોડા મેડિકલ કોલેજના બોય્ઝ હોસ્ટેલમાં ડ્રગ્સ, ગાંજો,શરાબ દિવસ અને રાત્રી દરમિયાન આવતો હોવાનો પણ ઘટસ્ફોટ મેડિકલ સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો તદ્પરાંત હોસ્ટેલમાં મેડિકલના સિનિયર વિધ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિધ્યાર્થીઓ સાથે રેગીગ નો મામલો પણ અવારનવાર સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં એક જ પલંગ પર બબ્બે દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાના મામલે હોબાળો થયો હતો તથા અહીં દર્દીઓને વ્હિલચેર,સ્ટ્રેચરમા દર્દીઓના સગાઓએ એક થી બીજા સ્થળે લઇ જવાતા હોવાના બનાવો જોવા મળે છે. તાજેતરમાં સર્વન્ટ ન હોવાથી દર્દીના સગાએ દર્દીને જાતે ઉચકીને લઇ જવાનો મામલો સામે આવ્યો છે.
અહીં હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ડો.રંજન ઐયરના વહિવટમાં સમગ્ર હોસ્પિટલ તંત્ર ખાડે ગયું હોય તેમ જણાય છે અને હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે જાણે એસ.એસ.જી.હોસ્પિટલ વિવાદોનો પર્યાય બની ચૂકી છે. એક તરફ રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ને અઢળક ભંડોળ અને સાધનો દર્દીઓની સારવાર અને સુરક્ષા, સુવિધા માટે આપે છે પરંતુ સ્થાનિક પ્રશાસન સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયરના નેતૃત્વમાં આમાંથી એકપણ સુવિધાનો લાભ મળતો નથી.હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. પીવાના પાણી,ટોયલેટના ધાંધિયા જોવા મળતા હોય છે.