ગત નવેમ્બરમાં ધીરજ જનરલ હોસ્પિટલમાં બે ઓપરેશન કરાયા હતા પરંતુ ટાંકા લેવામાં તકલીફ પડતાં તેને એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના એક ગામના 14 વર્ષીય બાળકને ગત નવેમ્બર માસમાં પેટમાં દુખાવાને કારણે વાઘોડિયાના ધીરજ જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જ્યાં તેના પર બે શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી અને ટાંકા લેવા દરમિયાન તકલીફ ઉભી થતાં તેને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન સવારે ચાર વાગ્યે તેનું મોત નિપજ્યું હતું જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગુલંદા ગામના સરદારપુરા ખાતે રહેતા દંપતીનો એક માત્ર 14 વર્ષીય અભ્યાસ કરતો કાનાભાઇ અંબારામ હરિજન નામના પુત્રને ગત નવેમ્બર માસમાં પેટમાં દુખાવો થતાં તેને વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ધીરજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના પર બે શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે ટાંકા લેવા દરમિયાન તકલીફ થતાં તેને ગત તા. 23નવેમ્બર 2024 ના રોજ વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું 22 જાન્યુઆરીના સવારે સર્જરી વિભાગમાં જીએચ યુનિટ ખાતે મોત નિપજ્યું હતું જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મૃતક બાળકના માતા પિતા અશિક્ષિત હોય તેઓને પોતાના બાળકને શું થયું હતું તે અંગેની માહિતી જ નથી જ્યારે આ અંગે ધીરજ જનરલ હોસ્પિટલમાં ડો.ઉમંગ પટેલ સાથે વાતચીત કરતા તેમણે બાળકની ફાઇલ શોધવી પડશે તથા તેના વિશે માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.