શહેરના વીજ કંપનીની ટીમોએ ધામા નાખ્યા,બાકી વીજ બિલોની વસૂલાત
સ્થળ પર જ બિલ ભરવાની સુવિધા,આનાકાની કરનારાઓના કનેક્શન કાપી નંખાશે




( પ્રતિનિધિ )વડોદરા,તા.13
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વડોદરા શહેરમાં લાંબા સમયથી વીજ બિલ નહીં ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરવામાં આવી છે. કંપની દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આજથી મેગા ડિસકનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરામાં મધ્યગુજરાત વીજ કંપનીની શહેરની તમામ પેટા વિભાગીય કચેરીઓને આદેશ આપીને મોટી સંખ્યામાં ટેકનિકલ અને વહીવટી સ્ટાફને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. લાંબા સમયથી અનેક ગ્રાહકો દ્વારા વારંવારની સૂચના છતાં વીજ બિલની રકમ ભરપાઈ કરવામાં આવતી નહોતી. જેને પગલે હવે એમજીવીસીએલ એ કડક વલણ અપનાવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત માત્ર રહેણાંક જ નહીં, પરંતુ વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમો પણ જો બાકીદારોની યાદીમાં હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોને અગવડતા ન પડે તે માટે માનવીય અભિગમ અપનાવતા એમજીવીસીએલ એ એક વિશેષ વ્યવસ્થા પણ કરી છે. વીજ કંપનીની ટીમ જ્યારે ગ્રાહકના ઘરે પહોંચે, ત્યારે ગ્રાહક જો ઇચ્છે તો ઓન ધ સ્પોટ ડિજિટલ માધ્યમથી કે રોકડમાં બિલ ભરી શકે છે. જે ગ્રાહકો સ્થળ પર જ બાકી રકમ ચૂકવી દેશે, તેમનું જોડાણ કાપવામાં આવશે નહીં. તેમજ જો ગ્રાહક સહકાર નહીં આપે અને સ્થળ પર પણ બિલ ભરપાઈ કરવાની મનાઈ કરશે, તો નિયમ મુજબ તેમનું વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે. કનેક્શન કપાયા બાદ ફરીથી જોડાણ મેળવવા માટે ગ્રાહકે આખું બિલ અને વધારાનો રી-કનેક્શન ચાર્જ પણ ચૂકવવો પડશે.