વડોદરાના યુવાનો અને નાગરિકો માટે સુવર્ણ તક; ઘરે બેઠા Voter App થી પણ થઈ શકશે ઓનલાઇન સુધારા
વડોદરા : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી ખાસ મતદાર યાદી સુધારણા (SIR) ઝુંબેશ અંતર્ગત એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ પાત્ર મતદાર મતાધિકારથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુ સાથે, દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો હવે 30 જાન્યુઆરી, 2026 સુધી પોતાની વિગતો અપડેટ કરાવી શકશે.
રાજ્યમાં આ ઝુંબેશની શરૂઆત 27 ઓક્ટોબર, 2025થી કરવામાં આવી હતી. અગાઉ સુધારા રજૂ કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી હતી, પરંતુ નાગરિકોના હિતમાં હવે આ મુદત વધારીને 30 જાન્યુઆરી, 2026 (શુક્રવાર) કરવામાં આવી છે.
જે યુવાનોની ઉંમર 1 જાન્યુઆરી, 2026 ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય, તેઓ પણ મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મૃત્યુ પામેલા કે સ્થળાંતરિત થયેલા મતદારોના નામ કમી કરવા અને નવા લાયક મતદારોના નામ ઉમેરીને મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવાનો છે.
કયા ફોર્મનો ઉપયોગ કરવો ?
મતદારો પોતાની જરૂરિયાત મુજબ નીચે મુજબના ફોર્મ ભરી શકે છે:
ફોર્મ નં. 6: નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે (18 વર્ષ પૂર્ણ કરનાર માટે).
ફોર્મ નં. 6-ખ: મતદાર યાદીની વિગતો સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે.
ફોર્મ નં. 7: મતદાર યાદીમાંથી નામ કમી કરવા અથવા વાંધો લેવા માટે.
ફોર્મ નં. 8: રહેઠાણનો ફેરફાર, વિગતોમાં સુધારો કે નવું EPIC (ચૂંટણી કાર્ડ) મેળવવા માટે.
કેવી રીતે અરજી કરવી ?
ઓનલાઇન : મતદારો ચૂંટણી પંચના પોર્ટલ voters.eci.gov.in અથવા Voter Helpline App દ્વારા ઘરે બેઠા સુધારા કરી શકે છે.
ઓફલાઇન : વડોદરાના મતદારો પોતપોતાના વિસ્તારના BLO (બૂથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરીને જરૂરી ફોર્મ ભરી શકે છે. આગામી રવિવારે નજીકના મતદાન મથકે જઈને પણ BLO ને રૂબરૂ મળી શકાય છે.