Vadodara

મતદાતાઓએ બીજા વોર્ડમાં મતદાન કરતા ફેર ચૂંટણી કરવી પડી

વડું નજીક નરસિંહપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બીજી વખત યોજાઈ

ચૂંટણી સમયે કોઇ કોઈ વખત ટેકનિકલ ખામીના કારણે ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે જ છે. તંત્રની નિષ્કાળજીના કારણે ભાગ્યે જ ફરી મતદાન યોજવાની ફરજ પડતી હોય છે.
22મી જુનના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. મોટાભાગના મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ હોવાથી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વડોદરા નજીકના પાદરા ખાતેના વડુ ગામ નજીક નરસિંહપુરા ગામમાં આવેલા વોર્ડ 1 અને 2માં આજે ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરાયું હતું.. મામલતદાર હંસરાજ ગોહિલે જણાવ્યું કે, ગામના વોર્ડ-1 અને 2માં આજે રિપોલીંગ કરવામાં આવી રહ્યું છે. મતદાન સમયે વોર્ડ-1 અને વોર્ડ-2ના મતદારોએ એકબીજાના વોર્ડમાં મતદાન કરી દીધું હતુ. આ ગંભીર છબરડો તંત્રના ધ્યાને આવતા ચૂંટણીપંચે બન્ને વોર્ડમાં ફરી રિપોલીંગ કરવા હુકમ કર્યો હતો.
આવી સ્થિતિ જ્યારે સર્જાતી હોય તેની માટે અગાઉથી જ તંત્ર દ્વારા રિઝર્વ ડે રાખવામાં આવતો હોય છે. જેથી આજે રિઝર્વ ડે હોવાથી ફરી રિપોલીંગ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ક્ષતિઓ ન થાય તેની તકેદારી રાખવાની જવાબદારી પ્રિસાઇડીંગ ઓફીસરની હોય છે. ચૂંટણી સમયે પંચાયતના સભ્યોના બેલેટ પેપર અદલા બદલી થયા હોવાથી ફેર ચુંટણી કરવાની સ્થિતિ ઉભી થઇ હતી.

Most Popular

To Top