ભારતીય મજદૂર સંઘે ગણાવ્યો ‘કાળો કાયદો’, કોઠી ચારરસ્તા ખાતે હોળી દહન કરી સરકાર સામે ચેતવણી ઉચ્ચારી
વડોદરા: રાજ્ય સરકારે તાજેતરમાં ફેક્ટરી એક્ટ-1948 માં સુધારો કરી મજૂરોના કામના કલાકોની મર્યાદા 8 કલાકથી વધારીને 12 કલાક કરી હોવાનો નિર્ણય જાહેર કર્યો છે. સરકારે લીધેલા આ નિર્ણયને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધની લહેર ફેલાઈ છે. ખાસ કરીને ભારતીય મજદૂર સંઘ (BMS) દ્વારા આ કાયદાને કાળો કાયદો ગણાવી તેની ઉગ્ર વિરોધ કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ જીજ્ઞેશ મજમુદારે વડોદરાના કોઠી ચારરસ્તા વિસ્તારમાં આ કાળા કાયદાની હોળી નું દહન કરી કડક વિરોધ નોંધાવ્યો હતો.
જીજ્ઞેશ મજમુદારે જણાવ્યું હતું કે મજૂરોને 12 કલાક સુધી એકસરખા દબાણમાં કામ કરવા મજબૂર કરવું માત્ર તેમની સલામતીને જોખમમાં મૂકશે જ નહીં, પરંતુ લાંબા ગાળે તેમની કાર્યક્ષમતા ઉપર પણ એનો ઘાતક પ્રભાવ પડશે. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે કામદારો પર બોજો મૂકવો એ શ્રમ કાયદા અને માનવ અધિકારોને વિરુદ્ધ છે.

આ પ્રસંગે મજદૂર સંઘ દ્વારા સરકારને માંગ કરવામાં આવી કે આ કાયદાને તાત્કાલિક પરત લેવામાં આવે અને ફરીથી વિચારણા કરવામાં આવે. મજમુદારે ચેતવણી આપી હતી કે જો સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચાર નહીં કરે તો આગામી દિવસોમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વ્યાપક આંદોલન શરૂ કરાશે.

વિરોધ દરમ્યાન મજદૂર સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘના નેતૃત્વે જણાવ્યું હતું કે આવનારા સમયમાં અન્ય જાહેર કાર્યક્રમો દ્વારા સરકાર પર દબાણ બનાવી આ કાયદાને રદ કરાવવા માટે તબક્કાવાર કાર્યક્રમો ઘડાશે.

સરકારના આ નિર્ણયો સામે મજૂર વર્ગમાં ભારે ગુસ્સો છવાયો છે. હાલ જોવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય પાછો લઈ શકાય કે નહીં, તેની દિશામાં મજદૂર સંઘની આગામી વ્યૂહરચના મહત્વની સાબિત થશે.