ભરઉનાળે વીજ લાઈનમાં ધડાકા સાથે આગ લાગતા રહીશો જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા, તંત્રની ઘોર બેદરકારી સામે રોષ
(પ્રતિનિધિ), વડોદરા. તા.13
શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ પર આવેલા જ્યુપિટર ચાર રસ્તા પાસેની સંજય વાડીમાં ગત રાત્રિએ વીજ લાઈનમાં સર્જાયેલા શોર્ટ સર્કિટને કારણે ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા માટે પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સંજય વાડીમાંથી પસાર થતા જીવંત વીજ તારોમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થયો હતો. જોતજોતામાં વીજ તારોમાંથી તણખલા ઝરવા લાગ્યા હતા અને આગની જ્વાળાઓ દેખાવા માંડી હતી. શોર્ટ સર્કિટના અવાજ એટલા ભયંકર હતા કે આસપાસના રહીશો ફફડી ઉઠ્યા હતા. અંધારામાં આગની લપેટો જોઈને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, આ વિસ્તારમાં વીજ લાઈનોની જર્જરિત હાલત અંગે અગાઉ અનેકવાર GEB (MGVCL) ના કર્મચારીઓને મૌખિક અને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. ઘટના સમયે પણ કર્મચારીઓને ફોન કરવા છતાં તેઓ સમયસર ન પહોંચતા લોકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.
આગની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી.
શોર્ટ સર્કિટના કારણે વિસ્તારનો વીજ પુરવઠો સતત ત્રણ કલાક સુધી ખોરવાયેલો રહ્યો હતો. એક તરફ એપ્રિલની કાળઝાળ ગરમી અને બીજી તરફ અંધારપટ છવાતા લોકોની હાલત કફોડી બની હતી. નાના બાળકો અને વૃદ્ધોને લઈને રહીશોએ ઘરની બહાર અંધારામાં રાત પસાર કરવાની નોબત આવી હતી.