*પરપ્રાંતિય મહિલાને એક વર્ષનું બાળક છે, પરિણીતાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ફાંસો ખાધો, નાનું બાળક સતત રડતું હોય પિતા નોકરીથી આવી દરવાજો તોડી અંદર ગયો*

(પ્રતિનિધિ) વડોદરા તા. 21
શહેરના માણેજા ક્રોસિંગ વિસ્તારમાં પતિ,દિયર અને એક વર્ષના બાળક સાથે રહેતી પરિણીતાએ પતિ સાથે ફોન પર વાતચીતમાં લાગી આવતાં સાડીથી દિવાલના હૂકમા ભરાવી ગળે ફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યું હતું સમગ્ર મામલે મકરપુરા પોલીસે પરિણીતાના પતિ અને દિયરની પૂછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માણેજા ક્રોસિંગ પાસે શ્રીજીનગર માં મૂળ બિહારના અંજલિ સંદિપકુમાર કુશવાહા નામની 23 વર્ષીય પરિણીતા પતિ,દિયર અને એક વર્ષના બાળક સાથે રહેતી હતી પતિ સંદિપકુમાર કુશવાહા તથા દિયર રોહિત કુશવાહા મકરપુરા જીઆઈડીસીમાં કામ કરતા હતા. શુક્રવારે સંદિપકુમાર કુશવાહાએ ફોન પર પત્ની અંજલીને ચાર પાંચ મહિના વતનમાં જ ઇ રહેવાની વાત કરી હતી અને કારણ આપ્યું હતું કે તેઓને સારી નોકરી અને આવક મળશે પછી તેને લાવશે. જેથી તેની પત્નીને લાગ્યું હતું કે પતિ તેને તરછોડી દેવા માગે છે અને તેના પ્રત્યે પ્રેમ નથી. આ બાબતે બંને વચ્ચે ફોન પર તકરાર થતાં લાગી આવ્યું હતું. જ્યારે બપોરે સંદિપ ઘરે જમવા માટે ગયો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો અને અંદરથી એક વર્ષના બાળકનો રડવાનો અવાજ આવતો હતો. જેથી સંદિપે પત્નીને દરવાજો ખોલવા બુમો પાડી હતી. પરંતુ દરવાજો ન ખુલતા સંદિપે દરવાજો તોડી અંદરનું દ્રશ્ય જોતા હેબતાઇ ગયો હતો. અંદર તેની પત્નીએ દિવાલના હૂકમા સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી તેને એસ.એસ.જી.હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેણીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પતિને સોંપવામાં આવ્યો હતો. ત્યારે પરિણીતાના પરિજનો દ્વારા પરિણીતાના મોતમાં હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસને લઈ હોબાળો મચાવ્યો હતો અને અગ્નિસંસ્કાર માટે પતિને રોક્યો હતો. દરમિયાન એસીપી પ્રવિણ કટારિયાની સમજાવટ અને તપાસની ખાતરી બાદ પરિજનો મૃતક યુવતીની અંતિમક્રિયા માટે સહમત થતાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.બીજી તરફ મકરપુરા પોલીસે સંદિપકુમાર કુશવાહા તથા તેના ભાઇ રોહિતને પોલીસ સ્ટેશનમાં બોલાવી પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બાળક સતત રડતું હોય મૃતકના સગા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
